ફતેપુરા, (દાહોદ ) આઝાદ મન્સુરી :-

દાહોદ, તા. ૧૫ ઓગસ્ટ, ૨૦૨૬: દેશભક્તિ અને રાષ્ટ્રગૌરવની ભાવના સાથે દાહોદ જિલ્લામાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સુખસર ખાતે કરવામાં આવી હતી. રાજ્ય મંત્રીશ્રી અને દાહોદ જિલ્લા સહપ્રભારી મંત્રીશ્રી પી.સી. બરંડાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સમારોહમાં મોટી સંખ્યામાં અધિકારીઓ, પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રધ્વજ ફરકાવી અને રાષ્ટ્રગીત સાથે તિરંગાને સલામી આપીને કરવામાં આવી હતી. ત્યારબાદ મંત્રીશ્રી પી.સી. બરંડા, જિલ્લા કલેક્ટરશ્રી સુરભિ ગૌતમ અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી જગદીશ ભંડારી દ્વારા પોલીસ પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રીએ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોના બલિદાનને શ્રદ્ધાપૂર્વક યાદ કરી તેમને નમન કર્યું હતું. તેમણે દેશની એકતા, અખંડિતતા અને વિકાસ માટે સૌને સંકલ્પબદ્ધ થવા આહ્વાન કર્યું હતું.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સ્વાતંત્ર્ય માત્ર આપણો અધિકાર નથી, પરંતુ દેશ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો સંકલ્પ પણ છે. સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સૌએ સહભાગી બનવું જોઈએ. સાથે જ તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પણ અનુરોધ કર્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સમૃદ્ધ અને વિકસિત ગુજરાતના નિર્માણ માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. આદિવાસી સમાજથી લઈને શહેરીજનો, બાળકો, યુવાનો અને વડીલો સહિત સમાજના તમામ વર્ગોના કલ્યાણ માટે સરકાર પ્રતિબદ્ધ છે. દાહોદ જિલ્લાના દરેક ગામ સુધી વિકાસના લાભો પહોંચે તે દિશામાં કામગીરી થઈ રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ સૌને એકતા, અખંડિતતા અને બંધારણીય મૂલ્યોનું જતન કરી દેશના સર્વાંગી વિકાસમાં સક્રિય યોગદાન આપવા તેમજ ભારતને ૨૦૪૭ સુધી વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પને સાકાર કરવા આગળ વધવા અપીલ કરી હતી.
વિદ્યાર્થીઓના સાંસ્કૃતિક કાર્યક્રમોએ વધાર્યો દેશભક્તિનો રંગ
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. સ્પર્ધામાં મોડેલ સ્કૂલ, વાંગડ-ફતેપુરાએ પ્રથમ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, બલૈયાએ દ્વિતીય અને નૂતન માધ્યમિક શાળા, સુખસરે તૃતીય સ્થાન મેળવી સન્માન મેળવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રી પી.સી. બરંડાએ સુખસર તાલુકા સહિત દાહોદ જિલ્લાના વિકાસ માટે જિલ્લા કલેક્ટરને રૂ. ૨૫ લાખનો ચેક અર્પણ કર્યો હતો.

સમારોહ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરનાર વ્યક્તિઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ્’ના નાદથી વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું.
આ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ગમાબેન મોહનિયા, ગરબાડાના ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ ભાભોર, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રતિક જૈન, નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.એમ. રાવલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી પલ્લવી બારૈયા, પ્રાંત અધિકારીશ્રી મિલિન્દ દવે, ઝાલોદ પ્રાંત અધિકારીશ્રી એ.કે. ભાટિયા, નાયબ વન સંરક્ષકશ્રી બ્રિજેશ ચૌધરી, માર્ગ અને મકાન વિભાગના અધિકારીશ્રી હિમાનીબેન શાહ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, પદાધિકારીઓ, પોલીસ અને સુરક્ષા દળોના જવાનો, વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
