ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

ડભોઇ (વડોદરા) : શ્રીમતી એસ.સી.પી.એફ. કોમર્સ કોલેજ, ડભોઇ ખાતે ભારતનો ૮૦મો સ્વાતંત્ર્ય પર્વ દેશભક્તિ, રાષ્ટ્રભાવના અને ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રીય એકતા, નાગરિક કર્તવ્ય અને રાષ્ટ્રનિર્માણમાં યુવાનોની ભૂમિકા અંગે જાગૃતિ કેળવવાનો હતો.
કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રધ્વજ ફરકાવવાની વિધિ અને રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી હતી. તિરંગાને સલામી આપી ઉપસ્થિત સૌએ દેશની એકતા, અખંડિતતા અને સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે શ્રી શશિકાંતભાઈ પટેલ સાથે ડૉ. સાગર ડી. દેસાઈએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું, જ્યારે પરેડનું સંચાલન SUO વસાવા નિર્મલ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શ્રી શશિકાંતભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગ અને બલિદાનને યાદ કરી વિદ્યાર્થીઓને જવાબદાર નાગરિક તરીકે રાષ્ટ્રનિર્માણમાં સક્રિય ભૂમિકા ભજવવા પ્રેરિત કર્યા હતા.
ત્યારબાદ કોમર્સ કોલેજની વિદ્યાર્થીની કુમકુમ દ્વારા સુંદર યોગ પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિ અને યોગ પરંપરાની સુંદર ઝલક રજૂ કરતી આ પ્રસ્તુતિથી પ્રભાવિત થઈ શ્રી શશિકાંતભાઈ પટેલે કુમકુમને પ્રોત્સાહનરૂપે રૂ. ૧,૧૦૦નું ઇનામ અર્પણ કરી તેની પ્રતિભાને બિરદાવી હતી.
આ પછી કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો પર સમૂહ નૃત્ય અને સમૂહગાન રજૂ કરવામાં આવ્યું હતું. B.Ed. કોલેજની વિદ્યાર્થીની વિધિબેન રાજ દ્વારા સ્વાતંત્ર્ય, યુવા શક્તિ અને રાષ્ટ્રનિર્માણમાં યુવાનોની ભૂમિકા અંગે પ્રેરણાદાયી વક્તવ્ય આપવામાં આવ્યું હતું. તેમજ AMCT Nursing College, Dabhoiના વિદ્યાર્થીઓ દ્વારા ‘એક તેરા નામ હૈ સચ્ચા’ ગીત પર મનમોહક સમૂહ નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. વંદના કે. વસાવા દ્વારા અસરકારક રીતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની વ્યવસ્થા અને અલ્પાહારની જવાબદારી ડૉ. દિલીપસિંહ ઠાકોર અને ડૉ. ઇમરાન ખાન પઠાણ દ્વારા સંભાળવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને સ્વાતંત્ર્યના સાચા અર્થ સાથે તેમના નાગરિક કર્તવ્ય અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી અંગે પણ જાગૃત કરવામાં આવ્યા હતા.
અંતે કોલેજના આચાર્ય ડૉ. કેયુર કે. પારેખ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. તેમણે ઉપસ્થિત મહાનુભાવો, પ્રાધ્યાપકો, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરી સૌને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોલેજ પરિસરમાં ઉત્સાહ અને દેશભક્તિનો માહોલ છવાયો હતો. કાર્યક્રમનું સમાપન *‘ભારત માતાની જય’, ‘વંદે માતરમ્’ અને ‘જય હિન્દ’*ના ગગનભેદી નાદ સાથે કરવામાં આવ્યું હતું.
