પંચમહાલમાં જૂના વાહનો અને ભંગારના વેપારીઓ માટે નવા નિયમો અમલમાં, વિગતવાર રજીસ્ટર રાખવું ફરજિયાત…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

12 સપ્ટેમ્બર 2026 સુધી જાહેરનામું અમલમાં રહેશે; ખરીદ-વેચાણની તમામ વિગતો નોંધવાની રહેશે

પંચમહાલ: જિલ્લામાં જૂના વાહનો તેમજ ભંગારના વેપારને વધુ પારદર્શક અને સુવ્યવસ્થિત બનાવવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જે.જે. પટેલે મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા મુજબ જૂની સાયકલ, ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર-વ્હીલર તેમજ ભંગારના વાહનોની ખરીદ-વેચાણ કરનાર વેપારીઓ અને ભંગારના ગોડાઉન સંચાલકો માટે વિગતવાર રજીસ્ટર નિભાવવું હવે ફરજિયાત બનાવાયું છે.

જાહેરનામા અનુસાર દરેક ખરીદ-વેચાણની નોંધમાં વાહનનો અનુક્રમ નંબર, વેચનારનું નામ-સરનામું, વેચાણનું કારણ, ખરીદનારનું સંપૂર્ણ નામ, સરનામું, મોબાઇલ નંબર, ઓળખપત્ર અને રહેઠાણના પુરાવાની વિગતો નોંધવાની રહેશે. ઉપરાંત વાહનનો એન્જિન નંબર, ચેસીસ નંબર, મોડલ, રજીસ્ટ્રેશન નંબર તેમજ સંબંધિત દસ્તાવેજોની નકલ પણ રેકોર્ડમાં રાખવાની રહેશે.

ભંગારનો વેપાર કરતા વેપારીઓ માટે પણ અલગ રજીસ્ટર રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. તેમાં ભંગાર લાવનારનું નામ, સરનામું, ઓળખપત્ર, સંપર્ક નંબર, ભંગારનો પ્રકાર, ખરીદી અને વેચાણની તારીખ તેમજ ભંગાર કોને વેચવામાં આવ્યો તેની સંપૂર્ણ વિગતો નોંધવાની રહેશે. ઉપરાંત ભંગારનો ધંધો કરતા વ્યક્તિઓએ સ્થાનિક પોલીસમાં પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ અને બાયોડેટા પણ જમા કરાવવાનો રહેશે.

જાહેરનામામાં વધુમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જૂના વાહનોની ખરીદ-વેચાણ વખતે ખરીદનારને બિલ આપવું ફરજિયાત રહેશે અને તેની નકલ વેપારીએ પોતાના રેકોર્ડમાં રાખવાની રહેશે. ખરીદનાર પાસેથી ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, મતદાર ઓળખપત્ર, રેશન કાર્ડ અથવા અન્ય માન્ય ઓળખપત્ર મેળવવાનું રહેશે. બિલમાં ખરીદનારનું સંપૂર્ણ નામ, સરનામું, મોબાઇલ નંબર તેમજ વાહનનો એન્જિન નંબર, ચેસીસ નંબર, મોડલ અને રજીસ્ટ્રેશન નંબરનો ઉલ્લેખ ફરજિયાત રહેશે.

આ જાહેરનામું 12 સપ્ટેમ્બર 2026 સુધી અમલમાં રહેશે. નિયમોનું પાલન નહીં કરનાર વેપારીઓ અથવા વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તેઓ શિક્ષાને પાત્ર બનશે.



આ પણ વાંચો :-