ખોટી રીતે લગ્ન નોંધણી કરાવનાર કબુતરો પર કસાયો સિકંજો… પંચમહાલના જાદુગરો પર ફતેપુરામાં નોંધાઇ ફરિયાદ…

દાહોદ, જીગ્નેશ પંચાલ :-

પંચમહાલ જિલ્લાના છોકરા છોકરીના બે સાક્ષીની હાજરીમાં મહારાજે ગોધરા ખડકી હનુમાન મંદિર ખાતે લગ્ન કરાવ્યા બાદ આ નોટરી ઓફિસર પાસે લગ્ન સ્થળ બીજું જાહેર કરી ખોટા લગ્ન સ્થળ બાબતનું સાચું સોગંદનામુ કરી ખોટા લગ્ન નોંધણી દસ્તાવેજ બનાવી સાચા તરીકે રજીસ્ટ્રાર પાસે જાહેર કરી લગ્નનું પ્રમાણપત્ર મેળવતા આ મામલે છોકરીના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ લગ્ન કરનાર છોકરા-છોકરી, બે સાક્ષી તેમજ લગ્ન કરાવનાર મહારાજ વિરુદ્ધ ગુનો નોંધ્યાનું પોલીસ સુત્રો દ્વારા સત્તાવાર જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભેસાલ ગામે રહેતા પટેલ વિરેન્દ્રસિંહ શંકરભાઈના લગ્ન બાલાસિનોર તાલુકાના લુહારના મુવાડા ગામના દેવેન્દ્રકુમાર અરવિંદસિંહ ઠાકોર તેમજ ગોધરા તાલુકાના વાવડી બુઝર્ગ ગામે બાપુનગર હરસિધ્ધિ સોસાયટીમાં રહેતા સાગરકુમાર ધર્મેન્દ્રસિંહ સોલંકી એમ બંને સાક્ષીઓની સહમતિથી કર્મકાંડનો વ્યવસાય કરતા ગોધરા બહારપુરા નિવાસમાં રહેતા દિનેશચંદ્ર શંકરલાલ પુરાણી નામના મહારાજે તારીખ ૨૩-૧-૨૦૨૫ ના રોજ ગોધરા ખડકી હનુમાન મંદિરે કરાવ્યા હતા. ત્યારબાદ તારીખ ૪-૨-૨૦૨૫ ના રોજ નોટરી ઓફિસર પાસે ઉપરોક્ત તમામ જણાની સહમતિથી લગ્ન સ્થળ સંતોષી માતા મંદિર બલૈયા તાલુકા ફતેપુરા જાહેર કરી ખોટા લગ્ન સ્થળ બાબતનું સાચું સોગંદનામુ કર્યું હતું અને લગ્ન સ્થળ બાબતે ખોટો પુરાવો આપી ખોટા લગ્ન નોંધણી દસ્તાવેજ બનાવ્યા હતા અને તે ખોટા લગ્ન નોંધણી દસ્તાવેજનો સાચા તરીકે ઉપયોગ કરી બલૈયા ગ્રુપ ગ્રામ પંચાયતના લગ્ન રજીસ્ટ્રાર પાસે તારીખ ૧૧-૨-૨૦૨૫ના રોજ જાહેર કરી લગ્નનું પ્રમાણપત્ર મેળવ્યું હતું. આ સંબંધે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બાહી ગામની હેત્વીબેન સોલંકીના પિતા મહેન્દ્રભાઈ જીવતસિંહ સોલંકીએ ઉપરોક્ત કેફીયત ભરી ફરિયાદ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા ફતેપુરા પોલીસે આ મામલે ભેસાલ ગામના પટેલ વિરેન્દ્રસિંહ શંકરભાઈ, બાહી ગામની સોલંકી હેત્વીબેન મહેન્દ્રભાઈ, લગ્ન કરાવનાર મહારાજ દિનેશચંદ્ર શંકરલાલ પુરાણી તેમજ બે સાક્ષીઓ ઠાકોર દેવેન્દ્રકુમાર અરવિંદસિંહ, સોલંકી સાગરકુમાર ધર્મેન્દ્રસિંહ મળી કુલ પાંચ જણા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૩૩૬(૨),૨૨૯(૨), ૩૩૭,૩૪૦(૨),૫૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી ઉપરોક્ત પાચે જણાની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.