લુણાવાડા,(મહીસાગર) આસીફ શેખ :-

મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના શહેરી વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી હેપેટાઇટિસ-A (કમળા) ના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળતા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહીસાગર જિલ્લા કલેક્ટરએ આ મુદ્દાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને બાલાસિનોરના અસરગ્રસ્ત વિસ્તારોની સીધી મુલાકાત લીધી હતી. કલેક્ટરએ આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે સ્થિતિની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી હતી.
કલેક્ટરએ ખાસ કરીને કમળાના વધુ કેસો ધરાવતી નીલમ સોસાયટી અને જલારામ સોસાયટી સહિતના અન્ય અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈને પરિસ્થિતિનું તલસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિક નાગરિકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો અને તેમની સમસ્યાઓ તેમજ આરોગ્ય વિષયક પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા કરી હતી. વહીવટી વડાને પોતાની વચ્ચે જોઈને સ્થાનિકોએ પણ પોતાના પ્રશ્નો નિખાલસતાથી રજૂ કર્યા હતા.
મુલાકાત દરમિયાન કલેક્ટરએ આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવી રહેલા ડોર-ટુ-ડોર સર્વેની કામગીરી ચકાસી હતી. તેમણે સ્થાનિકોને પૂછપરછ કરી હતી કે આરોગ્ય વિભાગ દ્વારા વાયરસ અંગે જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે છે કે નહીં. કલેક્ટરએ નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે સાવચેતી ખૂબ જરૂરી છે, તેથી દરેક નાગરિકે પાણી ઉકાળીને પીવું અને સ્વચ્છતા જાળવવી જેથી વાયરસના ફેલાવાને અટકાવી શકાય.
જિલ્લા કલેક્ટરની આ આકસ્મિક અને સીધી મુલાકાતથી બાલાસિનોર પંથકના લોકોમાં વહીવટી તંત્રની કામગીરી પ્રત્યે ઊંડો સંતોષ અને સકારાત્મક પ્રભાવ જોવા મળ્યો છે. તંત્ર દ્વારા લેવામાં આવેલા ત્વરિત પગલાં અને કલેક્ટરના સંવેદનશીલ અભિગમથી લોકોમાં આશા જાગી છે કે ટૂંક સમયમાં જ આ રોગચાળા પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવશે.