કેનેડાના માસ શૂટિંગ બાદ OpenAI સામે કેસ, ChatGPTની ભૂમિકા અંગે ઉઠ્યા ગંભીર સવાલો…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

કેનેડાના બ્રિટિશ કોલંબિયાના ટમ્બલર રિજ વિસ્તારમાં થયેલા માસ શૂટિંગ બાદ પીડિતોના પરિવારો દ્વારા OpenAI અને તેના CEO સેમ અલ્ટમેન સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ સાન ફ્રાન્સિસ્કોના ફેડરલ કોર્ટમાં દાખલ થયો છે.

ફરિયાદીઓનો આરોપ છે કે હુમલાખોરે ChatGPTનો ઉપયોગ કરીને હુમલાની યોજના બનાવવા સંબંધિત માહિતી OpenAIને ઘટના પહેલા લગભગ આઠ મહિના અગાઉથી મળી હતી, છતાં કંપનીએ આ અંગે સરકારી એજન્સીઓને જાણ કરી નહોતી.

માહિતી મુજબ, 18 વર્ષીય જેસી વાન રૂટસેલારે 10 ફેબ્રુઆરીએ પોતાના ઘરે તેની માતા અને 11 વર્ષના સાવકા ભાઈની ગોળી મારી હત્યા કરી હતી. ત્યારબાદ તેણે પોતાની જૂની શાળામાં જઈ એક શિક્ષક અને પાંચ વિદ્યાર્થીઓની હત્યા કરી હતી અને અંતે આત્મહત્યા કરી હતી.

કેસમાં જણાવાયું છે કે જૂન 2025 દરમિયાન OpenAIની ઓટોમેટેડ સિસ્ટમ્સે ChatGPT પર ગન હિંસા સંબંધિત વાતચીતને ફ્લેગ કરી હતી, પરંતુ કંપનીના ઉચ્ચ સ્તરે આ અંગે પગલાં લેવામાં આવ્યા નહોતા અને પોલીસને જાણ કરવામાં આવી નહોતી.

ફરિયાદીઓએ કોર્ટ પાસે અનિર્ધારિત વળતર સાથે OpenAIને તેની સલામતી નીતિઓમાં ફેરફાર કરવા માટે આદેશ આપવા માંગ કરી છે. ખાસ કરીને સંભવિત જોખમ અંગે સરકારી એજન્સીઓને ફરજિયાત જાણ કરવાની વ્યવસ્થા લાવવા માટે માંગ ઉઠાવવામાં આવી છે.

OpenAIએ આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી તમામ આરોપોને નકારી કાઢ્યા છે. કંપનીએ જણાવ્યું છે કે તે ChatGPTની સુરક્ષા મજબૂત કરવા માટે સતત કાર્યરત છે, જેમાં જોખમી વર્તનના સંકેતો ઓળખવા, માનસિક આરોગ્ય સહાય સાથે જોડાણ અને જોખમનું મૂલ્યાંકન જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.

આ ઘટનાને પગલે કેનેડામાં AI ચેટબોટ્સ માટે નિયમન લાવવાની ચર્ચા તેજ બની છે. કેનેડાના AI મંત્રી ઇવન સોલોમન દ્વારા OpenAI સાથે મળીને તેની સલામતી નીતિઓની સમીક્ષા કરવામાં આવી રહી છે.

હવે કોર્ટનો નિર્ણય મહત્વનો રહેશે કે AI પ્લેટફોર્મ્સને વપરાશકર્તાઓના કાર્યો માટે કેટલી હદ સુધી જવાબદાર ઠરાવી શકાય.

આ પણ વાંચો :-