વડોદરામાં નશાકારક કફ સીરપના ગેરકાયદે વેપારનો ભંડાફોડ, હોલસેલ લાઈસન્સ કાયમી રદ… હજારો બોટલનો ગેરહિસાબી નિકાલ, જાહેર આરોગ્ય માટે ગંભીર જોખમ…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલી મે. હેમ કેર ફાર્મા દ્વારા નશાકારક કફ સીરપના ગેરકાયદે વેપારનો મોટો ભંડાફોડ થયો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રે તપાસ બાદ પેઢીના હોલસેલ લાઈસન્સ (ફોર્મ-20બી, 21બી અને 20જી) તાત્કાલિક અસરથી કાયમી રદ કરી દીધા છે.

તપાસમાં બહાર આવ્યું કે પરવાનેદાર પ્રતિકકુમાર એન. બારોટે છેલ્લા ત્રણ મહિનામાં અમદાવાદની પવન એજન્સી પાસેથી કોડીન (Codeine) ઘટક ધરાવતી કફ સીરપની કુલ 8,530 બોટલ ખરીદી હતી. પરંતુ પેઢી પર કોઈ સ્ટોક મળ્યો નહોતો. જેમાંથી માત્ર 4,870 બોટલના જ વેચાણ બિલો મળ્યા, જ્યારે બાકીની 980 બોટલ કોઈપણ બિલ કે પ્રિસ્ક્રિપ્શન વગર અજાણ્યા વ્યક્તિઓને વેચી દેવાઈ હોવાનું ખુલ્યું છે.

કોડીન યુક્ત કફ સીરપનો નશા તરીકે ઉપયોગ થતો હોવાને કારણે તેનો વધુ પડતો ઉપયોગ ગંભીર આરોગ્ય જોખમ ઊભું કરે છે. ઓવરડોઝથી ડિપ્રેશન, શ્વાસમાં તકલીફ, કોમા જેવી સ્થિતિ તથા હાર્ટ અટેક સુધીની સંભાવનાઓ વધી શકે છે.

આ સમગ્ર મામલે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ-1940ના નિયમોનું ઉલ્લંઘન નોંધાતા તા. 02-04-2026ના રોજ કારણદર્શક નોટિસ પાઠવાઈ હતી. પરંતુ સંતોષકારક જવાબ ન મળતા તંત્રએ કડક પગલું લઈને લાઈસન્સ કાયમી રદ કર્યું છે.

તંત્રએ જણાવ્યું છે કે પરવાનેદારે આ વ્યવસાય માત્ર આર્થિક લાભ માટે નહીં પરંતુ નશાખોરીને પ્રોત્સાહન આપવા માટે કર્યો છે, જે સમાજના યુવાધન અને જાહેર આરોગ્ય માટે ગંભીર ખતરો છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તમામ મેડિકલ સ્ટોરોને કાયદાકીય મર્યાદામાં રહીને વ્યવસાય કરવા સૂચના આપવામાં આવી છે. તેમજ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે નશાકારક દવાઓના ગેરકાયદેસર વેચાણ અંગે માહિતી તંત્રને આપવી.

આ બાબતે ઔષધ નિરીક્ષક એચ.એમ. જેફાલ અને મદદનીશ કમિશનર ડૉ. એ.એચ. ઝાલાએ વધુ તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે.

આ પણ વાંચો :-