દાહોદ, જીગ્નેશ પંચાલ :-

ઝાલોદ તાલુકાના કદવાલ ગામે ચૂંટણીના પરિણામ બાદ તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ છે. કદવાલ-2 બેઠક પર ભાજપના ઉમેદવાર સુમિત્રાબેન વસૈયાની હાર થતા તેમના કેટલાક સમર્થકો રોષે ભરાયા હોવાનો આરોપ સામે આવ્યો છે.
માહિતી મુજબ, કોંગ્રેસના ઉમેદવાર પ્રકાશ નિસરતાની જીત જાહેર થતા જ ગામમાં સરકારી ગ્રાન્ટમાંથી લગાવવામાં આવેલી સોલર સ્ટ્રીટ લાઈટો ઉતારી લેવામાં આવી હતી. આરોપ છે કે હારેલા ઉમેદવારના સમર્થકો દ્વારા જાહેર સુવિધા તરીકે લગાવેલી આ લાઈટોને ગાડીમાં ભરી લઈ જવાઈ હતી.
આ ઘટનાના કારણે ગામમાં અંધારપટ છવાઈ ગયો છે, જેને કારણે ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે ચૂંટણીમાં હારનો બદલો જાહેર સુવિધાઓ છીનવીને લેવો યોગ્ય નથી.
આ સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મામલો વધુ ગરમાયો છે અને રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા તેજ બની છે.
સ્થાનિક ગ્રામજનો દ્વારા તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. લોકોનો આગ્રહ છે કે જવાબદાર લોકો સામે કડક પગલાં લેવાં જોઈએ અને ગામમાં ફરીથી સ્ટ્રીટ લાઈટોની વ્યવસ્થા કરવામાં આવે, જેથી લોકોની સુરક્ષા અને સુવિધા જળવાઈ રહે.