નોરા ફતેહી સામે ₹3 કરોડનો માનહાનિનો દાવો, ‘ટોય પ્લેન’ કહેવા બદલ ગાંધીનગર સિવિલ કોર્ટની નોટિસ…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

Kalam Ki Sarkar News / Case Against Nora Fatehi: બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી માટે એક બિઝનેસ જેટને ‘ટોય પ્લેન’ અને ‘લેગો પ્લેન’ ગણાવવું ભારે પડ્યું છે. ગાંધીનગરની પ્રાઇવેટ એવિયેશન કંપની ડ્યુન્સ એવિએશન દ્વારા નોરા ફતેહી સામે ગાંધીનગર સિવિલ કોર્ટમાં રૂ. 3 કરોડનો માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે. કંપનીનો આક્ષેપ છે કે નોરા દ્વારા ચાર્ટર્ડ પ્લેન અંગે સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી ટિપ્પણીઓથી કંપનીની પ્રતિષ્ઠા અને બુકિંગ પર અસર પડી હતી.

14 ડિસેમ્બર 2025ના રોજ મુંબઈથી જયપુર ગઈ હતી નોરા

મળતી માહિતી મુજબ, 14 ડિસેમ્બર 2025ના રોજ નોરા ફતેહી અને તેની ટીમે ડ્યુન્સ એવિએશનના Cessna Citation CJ2 ચાર્ટર્ડ પ્લેનમાં મુંબઈથી જયપુર સુધીની મુસાફરી કરી હતી. આ પ્લેનનો કોલ સાઇન VT-NDA હોવાનું જણાવાયું છે. મુસાફરી દરમિયાન નોરાએ કેટલાક વીડિયો બનાવ્યા હતા અને પોતાના વેરિફાઇડ Instagram એકાઉન્ટ પર સ્ટોરી તરીકે પોસ્ટ કર્યા હતા.

પ્લેનને ‘ટોય’ અને ‘લેગો પ્લેન’ ગણાવ્યાનો કંપનીનો આક્ષેપ

ડ્યુન્સ એવિએશનનો આક્ષેપ છે કે નોરા ફતેહીએ પ્લેનની સુરક્ષા અને ગુણવત્તા અંગે સવાલો ઉઠાવતા અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. એક વીડિયોમાં નોરાએ પ્લેનને ‘ટોય’ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, “જ્યારે તમે એમેઝોન પરથી પ્લેન ઓર્ડર કરો છો ત્યારે આવું જ મળે છે.”

વીડિયો વાયરલ થયા બાદ બુકિંગમાં ઘટાડાનો કંપનીનો દાવો

કંપનીના જણાવ્યા મુજબ, નોરાએ કોઈપણ ટેકનિકલ જ્ઞાન વગર એવિએશન સેફ્ટી અંગે બેજવાબદાર નિવેદનો આપ્યા હતા. કંપનીનું કહેવું છે કે સંબંધિત વિમાન ઉદ્યોગના ધોરણો મુજબનું બિઝનેસ જેટ છે અને તેણે મુંબઈથી જયપુર સુધીની મુસાફરી સંપૂર્ણ સુરક્ષિત રીતે પૂર્ણ કરી હતી.

કંપનીના દાવા પ્રમાણે, નોરા ફતેહીના Instagram પર 4.66 કરોડથી વધુ ફોલોઅર્સ છે. વીડિયો વાયરલ થયા બાદ 45થી 50 દિવસની અંદર કંપનીના ફ્લાઇટ બુકિંગમાં 15થી 20 ટકાનો ઘટાડો થયો હતો અને મોટા પાયે બુકિંગ કેન્સલ થયા હતા. કંપનીએ આ કારણે તેના બિઝનેસ અને પ્રતિષ્ઠાને મોટું નુકસાન થયું હોવાનો દાવો કર્યો છે.

લીગલ નોટિસનો જવાબ ન મળતાં કોર્ટમાં કેસ

કંપની દ્વારા કોર્ટમાં દાવો દાખલ કરતા પહેલા નોરા ફતેહીને લીગલ નોટિસ મોકલવામાં આવી હતી. જોકે, કંપનીના જણાવ્યા મુજબ તેનો કોઈ જવાબ મળ્યો નહોતો. ત્યારબાદ કંપનીએ વળતર મેળવવા ઉપરાંત નોરા દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયો સોશિયલ મીડિયા પરથી તાત્કાલિક દૂર કરાવવા માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો.

ગાંધીનગર સિવિલ કોર્ટે આ મામલે નોરા ફતેહીને નોટિસ ઇશ્યૂ કરી છે. હાલ કેસ રિજોઇન્ડર (Rejoinder) તબક્કે હોવાનું જણાવાયું છે અને આગામી સુનાવણી 25 સપ્ટેમ્બરના રોજ નક્કી કરવામાં આવી છે.



આ પણ વાંચો :-