ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

Kalam Ki Sarkar News / Supreme Court on Doctor Assault: મહારાષ્ટ્રમાં રાજકીય પક્ષોના સભ્યો દ્વારા ડૉક્ટરો અને હૉસ્પિટલના કર્મચારીઓ સાથે કરવામાં આવતા હુમલાની ઘટનાઓને લઈને સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. પાલઘરની રિલીફ હૉસ્પિટલમાં ડૉક્ટરો સાથે મારામારીની ઘટના સામે આવ્યા બાદ બીજા જ દિવસે સુપ્રીમ કોર્ટે હુમલામાં સામેલ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા સરકારને કડક સૂચના આપી છે. આ મામલે પાલઘર પોલીસે 17 લોકો વિરુદ્ધ FIR નોંધાવી છે.
પાલઘરની રિલીફ હૉસ્પિટલમાં વિવાદ બાદ હંગામો
મળતી માહિતી મુજબ, આ ઘટના રવિવારે વહેલી સવારે પાલઘરની રિલીફ હૉસ્પિટલમાં બની હતી. દહી હાંડી ઉત્સવ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા એક વ્યક્તિને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવાના મુદ્દે પેસેજમાં વિવાદ શરૂ થયો હતો. હૉસ્પિટલના એક કર્મચારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, શિવસેનાના જિલ્લા પ્રમુખ કુંદન સંખે, શહેર પ્રમુખ રાહુલ ઘરત સહિત અન્ય લોકો ઇમરજન્સી વોર્ડમાં ઘૂસી ગયા હતા અને ડૉક્ટરો સાથે બહેસ કરવા લાગ્યા હતા. ત્યારબાદ પાર્ટીના કેટલાક સભ્યો કથિત રીતે હૉસ્પિટલના ICUમાં પણ જબરદસ્તી પ્રવેશ્યા હતા.
CCTVમાં મારામારીની ઘટના કેદ
સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. ફૂટેજમાં એક રિસેપ્શનિસ્ટે મામલો શાંત કરવા અને બચાવ કરવાનો પ્રયાસ કરતાં એક આરોપીએ તેને થપ્પડ મારી હોવાનું જોવા મળે છે. આ ઉપરાંત, બચાવ માટે આગળ આવેલી એક મહિલા કર્મચારીને પણ ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ મામલે પાલઘર પોલીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના જૂથના સભ્યો સહિત ઓછામાં ઓછા 17 લોકો સામે FIR નોંધાવી છે.
કલ્યાણમાં પણ ડૉક્ટરો સાથે મારામારીનો આરોપ
ડૉક્ટરો પર હુમલાની આ પહેલી ઘટના નથી. અગાઉ કલ્યાણની એક નાગરિક હૉસ્પિટલમાં પણ શિવસેનાના એક કોર્પોરેટર પર ડૉક્ટરો સાથે મારામારી કરવાનો આરોપ લાગ્યો હતો. આ મામલે પોલીસે આરોપી રમેશ મ્હાત્રે વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.
