લુણાવાડા, (મહીસાગર) આસીફ શેખ(પાલ્લાવાલા) :-

મહીસાગર: મહીસાગર જિલ્લા કક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની વીરપુર તાલુકાના વરધરા ગામ ખાતે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં તેમના હસ્તે આન, બાન અને શાન સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે પોલીસ જવાનો દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી અને પોલીસ બેન્ડની સુરાવલીઓ સાથે રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કલેક્ટરે ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કર્યું હતું.
રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપ્યા બાદ કલેક્ટર અર્પિત સાગરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સરદાર પટેલ સહિતના સ્વાતંત્ર્ય સેનાનીઓને નમન કર્યું હતું અને ઉપસ્થિત નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે વડાપ્રધાન અને મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ મહીસાગર જિલ્લો **‘વિકસિત ભારત-2047’**ના સંકલ્પને સાકાર કરવા માટે કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી તથા સિદ્ધિઓનો ચિતાર રજૂ કર્યો હતો.
આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ
કલેક્ટરે જણાવ્યું હતું કે જિલ્લામાં કાર્યરત આશરે 239 આરોગ્ય સુવિધાઓ પૈકી 14ને NQAS સર્ટિફિકેટ પ્રાપ્ત થયું છે. જ્યારે જિલ્લાના 91 ટકા એટલે કે 6.67 લાખ નાગરિકોને આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા છે.
શિક્ષણ ક્ષેત્રે મહીસાગર જિલ્લાએ કેન્દ્રીય શિક્ષણ સર્વેમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
ખેડૂતો અને પશુપાલકો માટે વિવિધ કામગીરી
ખેડૂતો અંગે માહિતી આપતા કલેક્ટરે જણાવ્યું હતું કે PM કિસાન સન્માન નિધિ હેઠળ 2.31 લાખ ખેડૂતોને DBT મારફતે ₹714.88 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. જમીનની ફળદ્રુપતા જાળવવા માટે આશરે 17 હજાર ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવામાં આવ્યા છે.
પશુપાલન ક્ષેત્રે 208 મેગા પશુ આરોગ્ય મેળા યોજીને આશરે 43 હજાર પશુઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવી છે. જ્યારે ગ્રામ્ય વિકાસ હેઠળ PM આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત 16,818 આવાસોનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

માળખાગત સુવિધાઓ અને કાયદો-વ્યવસ્થા ક્ષેત્રે કામગીરી
માર્ગ અને મકાન વિભાગ દ્વારા 167 કિલોમીટર લાંબા રસ્તાઓને પહોળા અને મજબૂત બનાવવા માટે ₹1,58,791 લાખના કામો મંજૂર કરવામાં આવ્યા છે.
પોલીસ વિભાગ દ્વારા સાયબર ક્રાઈમના આંતરરાજ્ય ગુનાઓ ઉકેલી 48 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બાળલગ્ન અટકાવવા માટે પણ સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
પર્યાવરણ જાળવણી માટે ‘એક પેડ માં કે નામ 3.0’ અભિયાન અંતર્ગત સમગ્ર જિલ્લામાં 22.98 લાખ રોપાઓનું વિતરણ અને વાવેતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત RTOની સેવાઓને ડિજિટલ અને સંપૂર્ણ ફેસલેસ બનાવવામાં આવી છે.
કલેક્ટરે જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્ર નાગરિકોની સુખાકારી, પ્રગતિ અને સુરક્ષા માટે સતત કાર્યરત રહેશે. છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભો પહોંચાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી તેમણે સૌને **‘વિકસિત ભારત-2047’**ના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.
વીરપુરના વિકાસ માટે ₹25 લાખનો ચેક અર્પણ
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. વીરપુર તાલુકામાં વિકાસના કામો માટે ₹25 લાખનો ચેક કલેક્ટર અર્પિત સાગરના હસ્તે પ્રાંત અધિકારી, બાલાસિનોરને અર્પણ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓ અને ખેલાડીઓને પુરસ્કાર તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું અને મહાનુભાવો તથા કલેક્ટર દ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતનનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પુવાર, ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, પૂર્વ સાંસદ રતનસિંહ રાઠોડ, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિધાર્થ, પોલીસ અધિક્ષક સફિન હસન સહિત જિલ્લાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ, પોલીસ જવાનો તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
