નસવાડી, જાવેદ એન કુરેશી :-

નસવાડી: નસવાડી તાલુકાના જામલી ગામે શિક્ષણ ક્ષેત્રે નવી સુવિધાનો ઉમેરો થયો છે. ગામની શૈક્ષણિક સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા માટે નિર્માણ કરવામાં આવેલા પાંચ નવા ઓરડાઓનું લોકાર્પણ ધારાસભ્ય શ્રી અભેસિંહ તડવીના હસ્તે કરવામાં આવ્યું હતું.
લોકાર્પણ પ્રસંગે ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ધારાસભ્ય અભેસિંહ તડવીનું ગામમાં આગમન થતાં ગ્રામજનો દ્વારા તેમનું ખભે બેસાડી અનોખી રીતે અને ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ગ્રામજનોના આ લાગણીસભર આવકાર અને ઉત્સાહે કાર્યક્રમને વિશેષ બનાવ્યો હતો.
નવા પાંચ ઓરડાઓના નિર્માણથી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વધુ સુવિધાયુક્ત અને યોગ્ય વાતાવરણ ઉપલબ્ધ બનશે. ગ્રામજનોએ પણ આ વિકાસકાર્યને આવકાર્યું હતું અને ગામમાં શિક્ષણની સુવિધાઓમાં થયેલા વધારાને વિકાસની દિશામાં મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું.
આ પ્રસંગે ગામના વડીલો, મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સાથે મળીને નવા વર્ગખંડોના લોકાર્પણ પ્રસંગની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી.
જામલી ગામમાં પાંચ નવા ઓરડાઓનું લોકાર્પણ માત્ર શૈક્ષણિક સુવિધામાં વધારો નથી, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું પણ માનવામાં આવી રહ્યું છે.
