મહીસાગરમાં GBSના શંકાસ્પદ કેસોને પગલે તંત્ર સતર્ક, કલેક્ટરે લુણાવાડાની શાળાઓમાં ઓચિંતી તપાસ કરી…

લુણાવાડા, (મહીસાગર) આસીફ શેખ(પાલ્લાવાલા) :-

મહીસાગર: જિલ્લામાં GBS (Guillain-Barré Syndrome)ના શંકાસ્પદ કેસો સામે આવતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બાળકોના આરોગ્ય અને સુરક્ષાને લઈને સતર્કતા વધારવામાં આવી છે. જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે લુણાવાડાની વિવિધ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓની રૂબરૂ મુલાકાત લઈને ભોજન, પીવાના પાણી અને સ્વચ્છતાની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.કલેક્ટર દ્વારા લુણાવાડાની આદર્શ વિદ્યાલય, વાઈબ્રન્ટ વેવ્સ ઇન્ટરનેશનલ એકેડમી, ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ, ક્રિસ્ટલ સાયન્સ સ્કૂલ, કન્યા પ્રાથમિક શાળા, નંદ ઘર (આંગણવાડી), વેદાંત કોલેજ, ઇન્ફિનિટી સ્કૂલ અને બ્રાઇટ વિદ્યાસંકુલની મુલાકાત લેવામાં આવી હતી.

આ મુલાકાત દરમિયાન મહેસૂલ, પંચાયત, ફૂડ સેફ્ટી, આરોગ્ય, શિક્ષણ અને DSOની સંયુક્ત ટીમ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. સરકારી તથા ખાનગી શાળાઓ અને આંગણવાડીઓમાં બાળકોને આપવામાં આવતા ભોજન, પીવાનું પાણી તેમજ સ્વચ્છતા અને હાઈજીન વ્યવસ્થા અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી.

ફૂડ સેફ્ટી વિભાગની ટીમે શાળાઓને સ્વચ્છતા જાળવવા તેમજ જરૂરી નિયમોનું કડક પાલન કરવા અંગે માર્ગદર્શન અને જરૂરી ગાઈડલાઈન આપી હતી, જેથી બાળકોને સુરક્ષિત વાતાવરણ મળી રહે.

13 હજારથી વધુ બાળકોની આરોગ્ય તપાસકલેક્ટરે આરોગ્ય વિભાગની કામગીરી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે છેલ્લા એક સપ્તાહથી જિલ્લામાં સઘન સર્વેની કામગીરી ચાલી રહી છે. નગરપાલિકા વિસ્તારની કુલ 24 શાળાઓના 13,106 બાળકોના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી છે.આ ઉપરાંત પીવાના પાણીના 7 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે, જ્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં 415 ઘરોનો ડોર-ટુ-ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. નગરપાલિકા દ્વારા પણ સંબંધિત વિસ્તારોમાં સાફ-સફાઈની કામગીરી વધુ સઘન બનાવવામાં આવી છે.

લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય વિભાગનો સંપર્ક કરવા અપીલજિલ્લા કલેક્ટરે જાહેર જનતા અને તબીબોને અપીલ કરી છે કે જો કોઈ બાળકમાં GBS સંબંધિત કોઈપણ લક્ષણો જણાય તો જરા પણ વિલંબ કર્યા વિના આરોગ્ય વિભાગના કંટ્રોલ રૂમનો સંપર્ક કરવામાં આવે.ખાનગી તબીબોને પણ અનુરોધ કરવામાં આવ્યો છે કે તેમની પાસે આવો કોઈ શંકાસ્પદ અથવા લક્ષણો ધરાવતો કેસ આવે તો તેની જાણકારી સત્વરે આરોગ્ય વિભાગની ટીમને આપવામાં આવે, જેથી જરૂરી તપાસ અને કાર્યવાહી સમયસર થઈ શકે.



આ પણ વાંચો :-