લુણાવાડામાં સામાજિક કાર્યકરની માનવતાભરી પહેલ, અજાણ્યા વ્યક્તિને પરિવાર સુધી પહોંચાડવામાં મદદ…

લુણાવાડા, (મહીસાગર) આસીફ શેખ(પાલ્લાવાલા) :-

લુણાવાડા: સમાજમાં આજે પણ માનવતા અને સંવેદનાની ભાવના જીવંત છે તેનો હૃદયસ્પર્શી કિસ્સો લુણાવાડામાં સામે આવ્યો છે. લુણાવાડાના રસ્તાઓ પર છેલ્લા કેટલાય મહિનાઓથી એક અજાણ્યો વ્યક્તિ અસહાય હાલતમાં ભટકી રહ્યા હતા.

આ દરમિયાન સામાજિક કાર્યકર સોનલ પંડ્યાની નજર આ વ્યક્તિ પર પડી હતી. માત્ર અજાણ્યા હોવાના કારણે તેમને રસ્તા પર છોડી દેવાને બદલે સોનલબેને માનવતાના નાતે તેમની મદદ કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે વ્યક્તિ સાથે વાતચીત કરી તેમની સ્થિતિ અને પરિવાર અંગે જરૂરી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે કોઈ તેમને ખાવાનું આપે તો તેઓ જમતા હતા અને ઘણીવાર રસ્તા પર અથવા બસ સ્ટેન્ડ પર જ પડી રહીને દિવસો પસાર કરતા હતા. તેમની સાથે વધુ વાતચીત કરતાં તેમના ગામનું નામ જાણવા મળ્યું હતું.

આ માહિતીના આધારે સોનલ પંડ્યાએ મહિલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PI વી.વી. બારીયાનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ PI દ્વારા પોલીસ સ્ટાફને સ્થળ પર મોકલવામાં આવ્યો હતો. પોલીસ સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી આ વ્યક્તિને તેમના પરિવાર સુધી પહોંચાડવા માટે મદદ કરી હતી.

આ સમગ્ર ઘટનામાં પોલીસ પ્રશાસનના માનવીય અભિગમ સાથે સામાજિક કાર્યકર સોનલ પંડ્યાએ પણ જવાબદાર નાગરિક તરીકે સરાહનીય અને દાખલારૂપ કામગીરી કરી હતી.

કોઈ અસહાય વ્યક્તિને તેના હાલ પર છોડી દેવું સહેલું છે, પરંતુ એક અજાણ્યા વ્યક્તિનો હાથ પકડી તેને પોતાના પરિવાર સુધી પહોંચાડવો એ સાચી માનવતાનું ઉદાહરણ છે. સોનલ પંડ્યાએ પોતાની કામગીરી દ્વારા આ માનવતાભરી ભાવનાને સાકાર કરી બતાવી છે.



આ પણ વાંચો :-