નસવાડી ગાયત્રી શક્તિ પીઠ ખાતે વંદનીય માતાજીના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે વિશેષ મૌન સાધના યોજાઈ…

છોટાઉદેપુર, જાવેદ એન કુરેશી :-

૪૮ સાધકોએ મૌન ધ્યાન અને આત્મચિંતન દ્વારા આધ્યાત્મિક ઉન્નતિનો સંકલ્પ લીધો; હવે દર અમાસે નિયમિત આયોજન થશે

નસવાડી: અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા વંદનીય માતા ભગવતી દેવી શર્માના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી અંતર્ગત દેશ-વિદેશમાં વિવિધ આધ્યાત્મિક અને લોકકલ્યાણકારી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ જ અનુસંધાને નસવાડી સ્થિત ગાયત્રી શક્તિ પીઠ ખાતે વિશેષ ‘મૌન સાધના’ કાર્યક્રમનું ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

આ આધ્યાત્મિક સાધનામાં ૨૪ ભાઈઓ અને ૨૪ બહેનો સહિત કુલ ૪૮ સાધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સાધકોએ મૌન ધ્યાન, આત્મચિંતન અને આંતરિક મનન દ્વારા પોતાના જીવનમાં આધ્યાત્મિક વિકાસ અને આત્મિક ઉન્નતિનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. મૌનની શક્તિ દ્વારા અંતર્મુખ બની ઈશ્વરીય સાનિધ્યનો અનુભવ કરાવવો એ આ સાધનાનો મુખ્ય હેતુ રહ્યો હતો.

ગાયત્રી શક્તિ પીઠના કાર્યકરોએ જણાવ્યું હતું કે કાર્યક્રમને મળેલા સારો પ્રતિસાદ અને સાધકોમાં જોવા મળેલા ઉત્સાહને ધ્યાનમાં રાખીને હવે દર અમાસના દિવસે નિયમિતપણે ‘મૌન સાધના’નું આયોજન કરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું કે આવી સાધના દ્વારા માનસિક શાંતિ, આત્મિક વિકાસ અને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે વધુને વધુ લોકો જોડાય તે માટે સતત પ્રયત્નો કરવામાં આવશે.



આ પણ વાંચો :-