ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-
ફાયરબ્રિગેડે આગ પર ઝડપથી કાબૂ મેળવ્યો; કોઈ જાનહાનિ નહીં, શોર્ટ સર્કિટની આશંકા વચ્ચે તપાસ શરૂ

અમદાવાદ: અમદાવાદના કાળીગામ રેલવે યાર્ડમાં ઊભેલી સાબરમતી એક્સપ્રેસના એક પેસેન્જર કોચમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે યાર્ડમાંથી ધુમાડાના ગોટેગોટા ઊડતા જોવા મળ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડ અને રેલવે પ્રશાસનની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે આગ અન્ય કોચ સુધી ફેલાતી અટકી ગઈ અને મોટી દુર્ઘટના ટળી હતી.
સદનસીબે, આગ લાગેલી ટ્રેન યાર્ડમાં ઊભી હતી અને તેમાં કોઈ મુસાફરો હાજર ન હોવાથી કોઈ જાનહાનિ કે ઈજાની ઘટના નોંધાઈ નથી.

પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. રેલવે વિભાગના અધિકારીઓએ સમગ્ર ઘટનાની વિગતવાર તપાસના આદેશ આપ્યા છે.
રેલવેના જણાવ્યા મુજબ, સંબંધિત કોચ સેન્ટીંગ માટે યાર્ડમાં રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન આગ લાગવાની ઘટના બની હતી. હાલ તકનીકી ટીમો દ્વારા તમામ પાસાઓની તપાસ કરીને આગનું ચોક્કસ કારણ શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
