નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડીના ચારરસ્તા વિસ્તારમાં હનુમાન જયંતિ નિમિત્તે ભક્તિમય વાતાવરણ વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વહેલી સવારથી જ ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી ભગવાન હનુમાનજીના દર્શન કરીને પૂજા-અર્ચના કરી હતી.દિવસભર વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ભજન-કીર્તન અને હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજના સમયે મહાઆરતી યોજાઈ હતી, જેમાં સ્થાનિક ભક્તજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. ઉજવણીના અંતર્ગત રાત્રે પ્રસાદી ભોજનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિસ્તબદ્ધ વ્યવસ્થા રાખવામાં આવી હતી અને સેવાભાવી યુવકો દ્વારા શ્રેષ્ઠ સહકાર આપવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમથી વિસ્તારમાં ધાર્મિક અને સામાજિક એકતાનો સંદેશ ફેલાયો હતો.