નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી ખાતે આજે ખેલોત્સાહ અને ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો. ખેલો ઈન્ડિયા ટ્રાઈબલ ગેમ્સના રાષ્ટ્રીય મહાકુંભમાં ગુજરાત માટે સૌપ્રથમ સિલ્વર મેડલ જીતનાર સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, વડોદરાના પ્રતિભાશાળી કુસ્તીબાજ મુકેશભાઈ વાનજીભાઈ વસાવાનું સર્વ સમાજ દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું।મુકેશભાઈ મૂળ નર્મદા જિલ્લાના જંતર ગામના વતની છે. તેમણે કુસ્તી ક્ષેત્રે સિલ્વર મેડલ મેળવી પોતાના ગામ તથા સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે, જેને પગલે લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી।આ અવસરે નસવાડી ખાતે જુના બસ ડેપોથી એકલવ્ય એકેડમી સુધી મુકેશભાઈને ઘોડા પર બેસાડી ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। વરઘોડા દરમિયાન દેશભક્તિ અને રમતગમત પ્રેરણાદાયક નારા સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યુ હતુ ત્યારબાદ ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં રમતગમત અધિકારી દિનેશભાઈ ભીલ તથા ગામના સરપંચ મેહુલભાઈ તડવી સહિત અનેક આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા। મહાન વ્યક્તિત્વ ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલોના હાર પહેરાવી સૌએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી।આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ મુકેશભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી અને દિનેશભાઈ ભીલ અને મેહુલ સરપંચ દ્વારા તેમનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ અને તેમની આવનારી સ્પર્ધાઓ માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.