નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

સરકારી બી. એડ્. કોલેજ, નસવાડી ખાતે લોકસાહિત્યકાર ‘રાષ્ટ્રીય શાયર’ ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ નિમિત્તે ‘મેઘાણી વંદના’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થનાથી થયો હતો. સંસ્થાના તાલીમાર્થીઓએ મેઘાણીજીના જીવન, વ્યક્તિત્વ અને કાવ્યસર્જન અંગે વિસ્તૃત રજૂઆત કરી. તેમણે મેઘાણીજીના લોકગીતો, કાવ્યો તથા સાહિત્યના વિવિધ પાસાંઓ પર પ્રકાશ પાડ્યો હતો.
આ પ્રસંગે પ્રાધ્યાપક ડૉ. અલ્પેશ ચૌહાણે મેઘાણીજીના જીવનપ્રસંગો, સાહિત્યસર્જન અને લોકસંસ્કૃતિ પ્રત્યેના તેમના યોગદાન અંગે રસપ્રદ વ્યાખ્યાન આપ્યું. આ ઉપરાંત, પ્રાધ્યાપક ડૉ. પ્રણવ ઉપાધ્યાયે મેઘાણીજીના લોકપ્રિય ગીતોની લયબદ્ધ રજૂઆત કરી. કોલેજના પ્રાધ્યાપકોએ સમૂહમાં ‘ચારણ કન્યા’ ગીતની સંગીતમય રજૂઆત કરી, જેને ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી.
વિદ્યાર્થીઓએ કાવ્યવાંચન, વક્તવ્ય અને અભિનય દ્વારા અભિવ્યક્તિનો ઉજાસ પાથર્યો. જેમાં મેઘાણીજીની સાહિત્યસેવા, રાષ્ટ્રીય ચેતના તથા ‘રાષ્ટ્રીય શાયર’ તરીકેના તેમના યોગદાનનું પ્રતિબિંબ જોવા મળ્યું. અંતે આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું. તાલીમાર્થીઓ તથા સ્ટાફના સભ્યોની ઉપસ્થિતિમાં યોજાયેલો આ કાર્યક્રમ સૌ માટે પ્રેરણાદાયી અને સ્મરણીય બની રહ્યો.