ફતેપુરા, (દાહોદ ) આઝાદ મન્સુરી :-

Kalam Ki Sarkar News / Fatepura, Dahod: કેન્દ્ર સરકારના ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબીના દર્દીઓને સારવાર દરમિયાન પૂરતું પોષણ મળી રહે અને તેમની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તેવા હેતુથી ફતેપુરા બ્લોક ઓફિસ ખાતે ૨૫ ટીબીના દર્દીઓને નિઃશુલ્ક પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સેવાકીય પહેલમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા નિક્ષય મિત્ર તરીકે તથા ગુજરાત CSR ઓથોરિટીના સહયોગથી પોષણ કીટ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જ્યારે અક્ષયપાત્ર ફાઉન્ડેશને કીટ ડિલિવરી પાર્ટનર તરીકે યોગદાન આપ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન દર્દીઓને નિયમિત દવાઓ લેવા ઉપરાંત પોષણયુક્ત આહાર, પૂરતો આરામ અને પરિવારજનોના સહયોગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. યોગ્ય પોષણ અને સામાજિક સહયોગથી દર્દીઓને સારવાર પૂર્ણ કરવા પ્રોત્સાહન મળે છે તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ઇન્ચાર્જ ડો. સતીશ વસૈયા, ડો. ચિરાગ મછાર, તાલુકા હેલ્થ સુપરવાઇઝર એસ.વી. પારગી, તાલુકા આરોગ્ય વિભાગના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ, સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઇઝર (STS), લેબોરેટરી સુપરવાઇઝર (STLS), MPHW કર્મચારીઓ, ટીબીના દર્દીઓ તથા તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પહેલ પોષણ કીટના વિતરણ ઉપરાંત ટીબીના દર્દીઓ પ્રત્યે સામાજિક સંવેદના, સહયોગ અને જવાબદારીની ભાવનાનો સંદેશ આપે છે. કોર્પોરેટ ક્ષેત્ર, સામાજિક સંસ્થાઓ અને આરોગ્ય વિભાગના સંયુક્ત પ્રયાસોથી ટીબી મુક્ત ભારતના રાષ્ટ્રીય સંકલ્પને સાકાર કરવાની દિશામાં આ મહત્વપૂર્ણ પગલું છે.
યોગ્ય સારવાર, પોષણયુક્ત આહાર અને સામાજિક સહયોગથી જ ટીબી મુક્ત ભારતનું સ્વપ્ન સાકાર થઈ શકશે.
