ગોધરા, (પંચમહાલ) સાજીદ શેખ :-

દાહોદ: દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફોર-વ્હીલ વાહનો ભાડે લઈ પરત ન આપવાના તેમજ વાહનો અન્ય વ્યક્તિને વેચી દેવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવવામાં આવી છે. અમદાવાદ સ્થિત *અર્બન મોબિલિટી રેન્ટલ્સ પ્રા.લિ.*ના સંચાલક સૌરભભાઈ મોહનભાઈ ગુપ્તાએ આ અંગે ફરિયાદ કરી હોવાનું દસ્તાવેજોમાં જણાવાયું છે.
ફરિયાદ મુજબ, તેમની કંપની પાસે આશરે 400 જેટલી ફોર-વ્હીલ ગાડીઓ છે, જે ભાડા કરાર હેઠળ ગ્રાહકોને આપવામાં આવે છે. કંપનીની તમામ ગાડીઓમાં GPS ડિવાઇસ લગાવવામાં આવ્યા હોવાનું અને ભાડે આપતી વખતે GPS બંધ ન કરવાની શરત રાખવામાં આવતી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદ અનુસાર, 9 ફેબ્રુઆરી 2026ના રોજ જીતેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ સોલંકી નામના વ્યક્તિએ કંપનીની ટોયોટા ફોર્ચ્યુનર (રજી. નં. RJ-49-UA-0993) એક મહિના માટે ભાડે બુક કરી હતી. તેણે પોતે દાહોદ પોલીસમાં નોકરી કરતો હોવાનું જણાવી પોલીસ તપાસ માટે વારંવાર બહાર જવાનું હોવાથી વધુ વાહનોની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું.
આ પછી કંપનીના મેનેજર અને ડ્રાઇવર વાહન લઈને દાહોદ પહોંચ્યા હતા. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ત્યાં જીતેન્દ્રસિંહ સોલંકી સાથે રૂદ્રપાલસિંહ ગોપાલસિંહ સોલંકી અને રાજ નાનુભાઈ ભરવાડ હાજર હતા. દસ્તાવેજોની ચકાસણી અને ભાડા કરાર બાદ વાહન સોંપવામાં આવ્યું હતું. કંપનીના ખાતામાં શરૂઆતમાં ₹50,000 ઓનલાઈન જમા કરાવવામાં આવ્યા હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદીનો આક્ષેપ છે કે કરારની મુદત પૂર્ણ થયા બાદ વાહન પરત માંગવામાં આવ્યું હતું, પરંતુ વાહન પરત આપવામાં આવ્યું નહોતું. દરમિયાન ફોર્ચ્યુનરનું GPS પણ બંધ થઈ ગયાનું સામે આવ્યું હતું. ત્યારબાદ 13 એપ્રિલ 2026ના રોજ એક વ્યક્તિએ ફોન કરીને ફોર્ચ્યુનર વાહન ₹10 લાખમાં વેચી દેવામાં આવ્યું હોવાનું જણાવ્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
ફરિયાદ મુજબ, જીતેન્દ્રસિંહ સોલંકીને વાહન અંગે પૂછપરછ કરતાં તેમની સાથેના રાજ ભરવાડે ફોર્ચ્યુનર સહિત અન્ય વાહનો પણ વેચી નાખ્યા હોવાનું જણાવાયું હતું. ફરિયાદમાં અન્ય ચાર ફોર-વ્હીલ વાહનોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કુલ વાહનોના એડવાન્સ ભાડા પેટે આશરે ₹2.10 લાખ ઓનલાઈન ચૂકવાયા હોવાનું જણાવાયું છે.
ફરિયાદીએ ત્રણેય વ્યક્તિઓ સામે પૂર્વઆયોજિત કાવતરું રચી વિશ્વાસમાં લઈને વાહનો ભાડે મેળવ્યા, GPS બંધ કરી વાહનો અન્ય વ્યક્તિને વેચી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ કર્યો છે. સમગ્ર મામલે દાહોદ ટાઉન પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હોવાનું દસ્તાવેજોમાંથી જાણવા મળે છે.
