લુણાવાડા, (મહીસાગર) આસીફ શેખ(પાલ્લાવાલા) :-

લુણાવાડા: લુણાવાડા શહેરના વોર્ડ નં. 3ના આરામપુરા વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલી ગટર સમસ્યાનો સફળતાપૂર્વક ઉકેલ લાવવામાં આવ્યો છે. ગટર સંબંધિત સમસ્યાને કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.
સ્થાનિક આગેવાન મકસુદભાઈ મીઠાના સહયોગથી તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સતત રજૂઆતો, અનુસરણ અને સંબંધિત તંત્ર સાથેના સંકલનના પરિણામે આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું છે.
આ સાથે જ વિસ્તારમાં લાંબા સમયથી બંધ પડેલી 7 સ્ટ્રીટ લાઇટો પણ ફરી કાર્યરત કરવામાં આવી છે, જેના કારણે રાત્રિના સમયે સ્થાનિક નાગરિકોને વધુ સુરક્ષા અને પ્રકાશની સુવિધા મળશે.
આ પ્રસંગે જણાવાયું હતું કે ભાજપ મહીસાગર જિલ્લા પ્રમુખ દશરથભાઈ બારિયાના માર્ગદર્શન હેઠળ તેમજ લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના સહયોગથી શહેરમાં વિકાસલક્ષી અને જનહિતના કાર્યો સતત કરવામાં આવી રહ્યા છે. આગામી સમયમાં પણ નાગરિકોની સમસ્યાઓના ઝડપી અને કાયમી ઉકેલ માટે સતત પ્રયાસો કરવામાં આવશે.
સ્થાનિક રહેવાસીઓએ કામગીરી બદલ સંતોષ વ્યક્ત કરી સંબંધિત તંત્ર અને સહયોગી આગેવાનોનો આભાર માન્યો હતો.
