લુણાવાડા, (મહીસાગર) મોહમ્મદ મિર્ઝા :-

લુણાવાડા: લુણાવાડા સ્થિત સ્માઈલ ડેન્ટલ કેર એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટર ખાતે માત્ર 20 દિવસના નવજાત શિશુની દુર્લભ દંત સમસ્યાની સફળ ઇમરજન્સી સારવાર કરવામાં આવી છે. જન્મથી જ બે દાંત ધરાવતા બાળકના એક દાંતમાં વધુ હલનચલન હોવાથી માતાનું દૂધ પીવામાં મુશ્કેલી સર્જાઈ રહી હતી. સાથે જ હલતો દાંત કોઈપણ સમયે શ્વાસનળીમાં જવાનો ગંભીર ભય ઉભો થયો હતો.
આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્માઈલ ડેન્ટલ કેર એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટરના દંતચિકિત્સક ડૉ. અબ્દુલ્લાહ મુઠીયા (BDS) દ્વારા સંપૂર્ણ સાવચેતી અને જરૂરી તબીબી તકેદારી સાથે Emergency Natal Tooth Extraction સફળતાપૂર્વક કરવામાં આવી હતી. સમયસર સારવાર મળતા બાળકને સર્જાઈ શકતા ગંભીર જોખમમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યું.
ડૉ. અબ્દુલ્લાહ મુઠીયાના જણાવ્યા અનુસાર Natal Tooth (જન્મથી આવેલા દાંત) ખૂબ જ દુર્લભ સ્થિતિ છે. જો આવા દાંત વધુ હલતા હોય, બાળકને સ્તનપાનમાં તકલીફ થતી હોય અથવા દાંત શ્વાસનળીમાં જવાની શક્યતા હોય તો વિલંબ કર્યા વગર નિષ્ણાત દંતચિકિત્સકનો સંપર્ક કરવો જરૂરી છે.
આ સફળ સારવારને કારણે બાળકને સંભવિત જીવલેણ જોખમમાંથી બચાવી શકાયું છે, જેને સ્થાનિક સ્તરે મહત્વપૂર્ણ તબીબી સફળતા તરીકે જોવામાં આવી રહી છે.
