દાહોદમાં સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સુખસર ખાતે યોજાશે, આયોજનની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક સંપન્ન…

ફતેપુરા, (દાહોદ ) આઝાદ મન્સુરી :-

દાહોદ: ભારતના 79મા સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આ વર્ષે દાહોદ જિલ્લાના સુખસર તાલુકાના વરુણાશ્રમ (મકવાણાના વરુણા) ખાતે રાષ્ટ્રીય ગૌરવ અને દેશભક્તિના માહોલમાં યોજાશે. ઉજવણીનું આયોજન સુવ્યવસ્થિત, શિસ્તબદ્ધ અને ભવ્ય રીતે સંપન્ન થાય તે માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર શ્રી જે. એમ. રાવલના અધ્યક્ષસ્થાને પૂર્વ તૈયારી અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

બેઠક દરમિયાન સ્વતંત્રતા પર્વના આયોજનને લગતી વિવિધ કામગીરીઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. કાર્યક્રમ સ્થળની તૈયારીઓ, મંચ વ્યવસ્થા, ધ્વજવંદન સમારોહ, સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાનુભાવોના આગમન, સુરક્ષા વ્યવસ્થા, વાહન વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ, સ્વચ્છતા, વીજ પુરવઠો, પીવાના પાણીની સુવિધા સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ અંગે સંબંધિત વિભાગોને સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

નિવાસી અધિક કલેક્ટર શ્રી જે. એમ. રાવલએ તમામ વિભાગોને સૂચના આપી હતી કે ઉજવણીની દરેક કામગીરી સમયસર, જવાબદારીપૂર્વક અને સુઆયોજિત રીતે પૂર્ણ કરવામાં આવે તેમજ આયોજનમાં કોઈપણ પ્રકારની કચાશ ન રહે તેની ખાસ કાળજી રાખવામાં આવે.

આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, પ્રાંત અધિકારીઓ, નાયબ પોલીસ અધિક્ષકો સહિત વિવિધ વિભાગોના જિલ્લા સ્તરના અધિકારીઓ તથા આયોજન સાથે સંકળાયેલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 15મી ઓગસ્ટના જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણીને સફળ બનાવવા માટે તમામ વિભાગો વચ્ચે જરૂરી સંકલન સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું.



આ પણ વાંચો :-