લુણાવાડા,(મહીસાગર) આસીફ શેખ :-
લુણાવાડામાં માનવતાનું અનોખું ઉદાહરણ, ત્રણ દિવસથી ગુમ થયેલી દીકરી સુરક્ષિત રીતે પરિવારને સોંપાઈ

લુણાવાડા: લુણાવાડામાં સામાજિક સેવા અને માનવતાનું પ્રેરણાદાયક ઉદાહરણ સામે આવ્યું છે. સામાજિક કાર્યકર સોનલબેન પંડ્યાના સમયસરના પ્રયાસો અને ચિલ્ડ્રન હેલ્પલાઇનની મદદથી પરિવારથી વિખુટી પડેલી એક દીકરીનું તેના પરિવાર સાથે સફળ પુનઃમિલન કરાવવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, લુણાવાડાના વખત બાગ નજીક એક અજાણી, એકલી અને અસહાય હાલતમાં એક દીકરી ભટકતી જોવા મળી હતી. જાગૃત નાગરિક દ્વારા મળેલી જાણના આધારે સામાજિક કાર્યકર સોનલબેન પંડ્યા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. દીકરી સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે તે માનસિક રીતે થોડી અસ્થિર હતી અને પોતાની સ્થિતિ સ્પષ્ટ રીતે જણાવી શકતી નહોતી.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન દીકરીએ “વાઘજીપુર” ગામનું નામ જણાવ્યું હતું. દરમિયાન, નિઃસહાય હાલતમાં રહેલી આ દીકરીને કેટલાક અસામાજિક તત્વો દ્વારા હેરાન કરવામાં આવતી હોવાની પણ માહિતી સામે આવી હતી.
સોનલબેન પંડ્યાએ તાત્કાલિક ચિલ્ડ્રન હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. જાણ મળતા હેલ્પલાઇનના કો-ઓર્ડિનેટર રમિલાબેન તેમની ટીમ સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. ત્યારબાદ મળેલી માહિતીના આધારે વાઘજીપુર ગામમાં સંપર્ક સાધવામાં આવ્યો અને દીકરીના પરિવાર સુધી જાણ પહોંચાડવામાં આવી હતી.
પરિવારજનોએ જણાવ્યું હતું કે દીકરી છેલ્લા ત્રણ દિવસથી ઘરેથી ગુમ હતી અને તેની શોધખોળ ચાલી રહી હતી. માહિતી મળતાં પરિવારજનો સખી વન સ્ટોપ સેન્ટર ખાતે પહોંચ્યા હતા, જ્યાં જરૂરી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ દીકરીને સુરક્ષિત રીતે પરિવારને સોંપવામાં આવી હતી.
આ ઘટના માત્ર એક દીકરીના પરિવાર સાથેના પુનઃમિલનની નથી, પરંતુ સમાજમાં જીવંત રહેલી માનવતા, સંવેદના અને સેવા ભાવનાનું પણ ઉત્તમ ઉદાહરણ છે. સામાજિક કાર્યકર સોનલબેન પંડ્યાની નિઃસ્વાર્થ સેવા, કરુણા અને સતર્કતાના કારણે એક પરિવાર ફરી એકવાર એક થઈ શક્યો છે.
તેમની આ માનવતાભરી કામગીરી નિઃસંદેહ પ્રશંસાને પાત્ર છે અને સમાજ માટે પ્રેરણાદાયક ઉદાહરણ બની રહેશે.