કનેલાવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી ‘પ્રગતિ પથ યાત્રા’ના બીજા તબક્કાનો પ્રારંભ, વિકસિત ભારતના સંકલ્પ સાથે નાગરિકો જોડાયા…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

વર્ષ 2047 સુધી ભારતને વિશ્વનું શ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ સાથે પંચમહાલમાં જનજાગૃતિ અભિયાનને મળ્યો વેગ

ગોધરાના કનેલાવ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતેથી ‘પ્રગતિ પથ યાત્રા’ના બીજા તબક્કાનો શુભ પ્રારંભ જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાના હસ્તે લીલી ઝંડી આપીને કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો, રમતવીરો, વિદ્યાર્થીઓ અને વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ કાર્યકાળની ઉજવણી નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા વિવિધ જનજાગૃતિ અને વિકાસલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ‘પ્રગતિ પથ યાત્રા’નો મુખ્ય હેતુ છેલ્લા વર્ષોમાં દેશમાં અને જિલ્લામાં થયેલા વિકાસ કાર્યોને લોકો સુધી પહોંચાડવાનો તથા વર્ષ 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ સાથે વધુમાં વધુ નાગરિકોને જોડવાનો છે.

તેમણે જણાવ્યું કે આ યાત્રા દરમિયાન વિવિધ વિકાસ પ્રકલ્પો, જાહેર સુવિધાઓ અને લોકકલ્યાણકારી યોજનાઓની મુલાકાત લેવામાં આવશે, જેથી નાગરિકો વિકાસની પ્રક્રિયાને નજીકથી સમજી શકે અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાની સક્રિય ભૂમિકા નિભાવવા પ્રેરિત થાય.

કાર્યક્રમનું વિશેષ આકર્ષણ પંચમહાલ જિલ્લાના આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓનું પ્રદર્શન રહ્યું હતું. આર્ચરી સહિત વિવિધ રમતોમાં મેડલ જીતીને જિલ્લાનું નામ રોશન કરનારા પ્રતિભાશાળી ખેલાડીઓએ પોતાની સિદ્ધિઓ રજૂ કરી હતી.

આ ઉપરાંત વર્ષ 2010થી ગુજરાતમાં સફળતાપૂર્વક યોજાતા રાજ્યના સૌથી મોટા રમતોત્સવ ‘ખેલ મહાકુંભ’ની સફર, રમતગમત ક્ષેત્રે રાજ્યની સિદ્ધિઓ તેમજ ભવિષ્યમાં કોમનવેલ્થ અને ઓલિમ્પિક જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓના આયોજનને કેન્દ્રમાં રાખતી પ્રેરણાદાયી વિડિયો ક્લિપનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની વિવિધ રમતગમત સુવિધાઓની મુલાકાત લઈને ઉપલબ્ધ માળખાકીય વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે રમતગમત ક્ષેત્રે વધુ આધુનિક અને ગુણવત્તાસભર સુવિધાઓ વિકસાવવા માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન પણ આપ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નીરજભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રણવ વિજયવર્ગીય, પ્રાંત અધિકારી શ્રી મોદી, ગોધરા નગરપાલિકાના પ્રમુખશ્રી તેમજ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ, તાલુકા સ્તરના આગેવાનો, રમતવીરો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

‘પ્રગતિ પથ યાત્રા’ના બીજા તબક્કાના પ્રારંભ સાથે પંચમહાલ જિલ્લામાં વિકાસ, રમતગમત અને રાષ્ટ્ર નિર્માણના સંદેશને વધુ વ્યાપક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-