લુણાવાડા, (મહીસાગર) આસીફ શેખ(પાલ્લાવાલા) :-

મહીસાગર: લુણાવાડા ટાઉન પોલીસ દ્વારા બેંકમાં ખોટા દસ્તાવેજો રજૂ કરી લોન મેળવી નાણાંની છેતરપિંડી કરનાર ટોળકીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આશરે અઢી મહિના અગાઉ નોંધાયેલી ફરિયાદની તપાસ દરમિયાન પોલીસે અઢાર વર્ષ અગાઉ મૃત્યુ પામેલી મહિલાના નામે ખોટા દસ્તાવેજો તૈયાર કરી ₹7 લાખની લોન મેળવી નાણાં પચાવી પાડવાના વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડ્યા છે.
પંચમહાલ-ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન દ્વારા વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા તેમજ નાગરિકો સાથે થતી છેતરપિંડી અને નાણાકીય ગુનાઓ આચરતી ટોળકીઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
આ સૂચનાના અનુસંધાને લુણાવાડા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કમલેશ વસાવાના સીધા માર્ગદર્શન હેઠળ અને લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર વી.આર. સોનારાની સૂચના મુજબ પોલીસ ટીમે વણશોધાયેલા ગુનાઓ શોધવા માટે ખાનગી બાતમીદારો રોક્યા હતા. તેમજ હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી.
મૃત મહિલાના નામે ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા
લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી કેનેરા બેંકમાં આશરે અઢી મહિના અગાઉ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદની તપાસ દરમિયાન સામે આવ્યું કે આશરે 18 વર્ષ અગાઉ મૃત્યુ પામેલા ફરિયાદીના ફોઈ કેશરબેન માલીવાડના નામ સાથે મળતું નામ ધરાવતી કેશરબેન પગી નામની મહિલાને બેંકમાં રજૂ કરવામાં આવી હતી.
આ મહિલાના નામે ખોટા દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તલાટી કમ મંત્રીની ખોટી સહી અને સિક્કાવાળું ખોટું પેઢીનામું બનાવી બેંકમાં રજૂ કરવામાં આવ્યું હતું. ખોટી ઓળખ આપી મહિલાના અંગૂઠાના નિશાન કરાવી બેંકમાંથી ₹7,00,000ની લોન મેળવવામાં આવી હતી.
લોનની રકમ ઉપાડી તેને પોતાના આર્થિક ફાયદા માટે વાપરી નાણાં પચાવી પાડવામાં આવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
CCTV અને ટેકનિકલ પુરાવાના આધારે તપાસ
પોલીસે બેંકના દસ્તાવેજી પુરાવા, CCTV ફૂટેજ તેમજ ટેકનિકલ પુરાવાઓના આધારે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મરણ પામેલા કેશરબેન માલીવાડની જગ્યાએ કેશરબેન પગી નામની મહિલાને બેંકમાં રજૂ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસ તપાસમાં વધુમાં જાણવા મળ્યું કે બેંકમાં આવતા વચેટિયા એજન્ટોએ સાથે મળી કાવતરું રચ્યું હતું અને લોનના નાણાં પોતાના આર્થિક ફાયદા માટે ઉપયોગમાં લીધા હતા.
પૂછપરછમાં ગુનો કબૂલ્યાનો પોલીસનો દાવો
તપાસ દરમિયાન શકમંદ ઈસમોના નામ અને સરનામાં મળી આવતા તેમને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. પોલીસે યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરતા આરોપીઓએ આ ગુનો આચર્યો હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસએ જણાવ્યું છે.
આધારે પોલીસે આરોપીઓને પકડી અટક કરી વણશોધાયેલ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.
આ મામલે લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 1118706260522/2026 હેઠળ ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023ની કલમ 336(2), 336(3), 338 તથા 340(2) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નામદાર કોર્ટમાં કાયદાની વિવિધ કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે. તેમજ આરોપીઓની વધુ તપાસ માટે નામદાર કોર્ટમાંથી રિમાન્ડ મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
