અમદાવાદમાં રિક્ષા-ટેક્સી ચાલકોની 4 દિવસની હડતાળનું એલાન, માગણીઓ નહીં સંતોષાય તો રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

Kalam Ki Sarkar News / Ahmedabad Auto-Taxi Strike: અમદાવાદમાં CNGના ભાવવધારા અને ઓનલાઈન એપ્સ દ્વારા થતા શોષણના આક્ષેપો સામે 25 હજારથી વધુ ટેક્સીચાલકો અને દોઢ લાખથી વધુ રિક્ષાચાલકો 7થી 10 સપ્ટેમ્બર સુધી ચાર દિવસની હડતાળ પર ઉતરવાના છે. કાયદેસર ભાડું ન મળતું હોવા તેમજ ખાનગી વાહનોની અનિયમિતતા સામે વારંવાર રજૂઆતો કરવા છતાં કાર્યવાહી ન થતાં ચાલકોએ આ નિર્ણય લીધો છે. જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો રાજ્યવ્યાપી આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.

અમદાવાદમાં વર્ષની શરૂઆતથી અત્યાર સુધી CNGના ભાવમાં સતત વધારો થતાં ગેસનો ભાવ હાલ ₹94ની સપાટીએ પહોંચી ગયો છે. ઇંધણના ભાવવધારાની સીધી અસર જાહેર પરિવહન વ્યવસ્થા પર પડી છે અને રિક્ષા-ટેક્સીના ભાડામાં પણ વધારો થયો છે. જોકે, આ ભાવવધારા સામે રિક્ષા અને ટેક્સી ચાલકોને પૂરતું ભાડું અથવા વળતર મળતું ન હોવાના આક્ષેપો વચ્ચે અમદાવાદના 25 હજારથી વધુ ટેક્સીચાલકો અને દોઢ લાખથી વધુ રિક્ષાચાલકો 7થી 10 સપ્ટેમ્બર દરમિયાન ચાર દિવસની હડતાળ પર ઉતરવાના છે.

ઓનલાઈન એપ્સની હરીફાઈમાં ડ્રાઈવરોના શોષણનો આક્ષેપ

રિક્ષા-ટેક્સી યુનિયનના જણાવ્યા અનુસાર, ઓલા, ઉબર, રેપિડો અને ભારત ટેક્સી જેવી ઓનલાઈન ટેક્સી બુકિંગ એપ્લિકેશન્સના એગ્રીગેટર્સ સરકારી નીતિ-નિયમો મુજબ ડ્રાઈવરોને પૂરતું વળતર આપતા નથી. કંપનીઓ વચ્ચેની આંતરિક હરીફાઈને કારણે ખૂબ ઓછું ભાડું વસૂલવામાં આવે છે, જેમાંથી ડ્રાઈવરને કિલોમીટર દીઠ માત્ર ₹8થી ₹10 જેટલું જ વળતર મળે છે. આટલી ઓછી આવકમાં ડ્રાઈવરો માટે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું હોવાનો યુનિયનનો દાવો છે.

વારંવાર રજૂઆતો છતાં કાર્યવાહીનો અભાવ

ચાલકોનો બીજો મોટો વિરોધ ઓનલાઈન એપ્લિકેશન મારફતે દોડતી વ્હાઈટ નંબર પ્લેટ ધરાવતી, એટલે કે ખાનગી ઉપયોગ માટેની બાઈક અને મોપેડ ટેક્સીઓ સામે છે. ચાલકોના આક્ષેપ મુજબ, આ ખાનગી વાહનો નિયમોનો ભંગ કરીને બેફામપણે દોડી રહ્યા છે. જેના કારણે કાયદેસરની રિક્ષા અને ટેક્સી ચાલકોને પૂરતા મુસાફરો મળતા નથી.

આ મુદ્દે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં આખરે ચાલકોએ હડતાળનો માર્ગ અપનાવ્યો છે. હાલનું આંદોલન અમદાવાદ, ગાંધીનગર અને સાણંદ પૂરતું સીમિત છે. જો ચાર દિવસ દરમિયાન યોગ્ય ઉકેલ નહીં આવે તો રાજ્યવ્યાપી આંદોલન કરવાની તેમજ RTO અને ગાંધીનગરની સરકારી કચેરીઓનો ઘેરાવ કરીને રેલી કાઢવાની ચીમકી આપવામાં આવી છે.

ગુજરાતમાં ઓનલાઈન ટેક્સી માટે કોઈ ચોક્કસ ભાડું નક્કી નથી

અમદાવાદ ટેક્સી ડ્રાઈવર યુનિયનના પ્રમુખ વનરાજદાન ગઢવીના જણાવ્યા મુજબ, ગુજરાતમાં ચાલતી ઓનલાઈન ટેક્સીઓ માટે સરકારે કોઈ ચોક્કસ ભાડું નક્કી કર્યું નથી. વર્ષ 2023માં વાહન વ્યવહાર કચેરી દ્વારા એક પરિપત્ર જાહેર કરીને માત્ર મીટરથી ચાલતી ટેક્સીઓના ભાડા નક્કી કરવામાં આવ્યા હતા.

જોકે, અમદાવાદમાં દોડતી મોટાભાગની ટેક્સીઓ મીટર વગર ચાલતી હોવાનો દાવો કરવામાં આવે છે. જેના કારણે ઓનલાઈન ટેક્સીના દરોને લઈને અનિશ્ચિતતા ઊભી થઈ છે અને ચાલકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.



આ પણ વાંચો :-