ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

પંચમહાલ: સમગ્ર રાજ્યની સાથે પંચમહાલ જિલ્લામાં પણ ‘હર ઘર તિરંગા’ અભિયાન તથા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી માટે જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને આયોજન સમીક્ષા બેઠક યોજાઈ હતી.
કલેક્ટરશ્રીએ જણાવ્યું કે 13 ઓગસ્ટ, 2026ના રોજ સાંજે 4:00 વાગ્યે ગોધરાના સરદારનગર ખંડથી જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા શરૂ થશે, જે રામસાગર તળાવ ખાતે પૂર્ણ થશે. આ ઉપરાંત જિલ્લામાં વિવિધ સ્થળોએ ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત કાર્યક્રમો યોજાશે. નાગરિકોને Selfie With Tiranga અભિયાન હેઠળ તિરંગા સાથે સેલ્ફી લઈ HarGharTiranga.com વેબસાઇટ પર અપલોડ કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.
વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે 13 ઓગસ્ટે સવારે 10:00 વાગ્યે સરદારનગર હોલ ખાતે વિશેષ પ્રદર્શન (એક્ઝિબિશન) યોજાશે, જ્યારે 14 ઓગસ્ટે સાંજે 6:00 વાગ્યે સરદારનગર હોલ ખાતે સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવશે.
જિલ્લા કલેક્ટરે તમામ સંબંધિત વિભાગોને રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમો સુચારૂ, શિસ્તબદ્ધ અને ગૌરવપૂર્ણ રીતે યોજાય તે માટે જરૂરી તૈયારીઓ સમયસર પૂર્ણ કરવાની સૂચના આપી હતી. બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી જે. જે. પટેલ, નાયબ પોલીસ અધિક્ષક, પ્રાંત અધિકારીઓ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
