ઉનાળાની ગરમી સામે લડશે અને તમારો પાક બચાવશે હવે ‘ગાય આધારિત ખેતી’…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

ઓછા પાણીએ પણ સોના જેવો પાક પકવવાની જાદુઈ કળા એટલે પ્રાકૃતિક ખેતી

કાળઝાળ ઉનાળામાં સંજીવની સમાન ‘પ્રાકૃતિક ખેતી’ પાક અને જમીન માટે સુરક્ષા કવચ

પ્રાકૃતિક ખેતી એ પ્રકૃતિ સાથે તાલમેલ મિલાવવાની પદ્ધતિ છે

જ્યારે ઉનાળાનો પારો 40 ડિગ્રીને પાર કરી જાય છે, ત્યારે રાસાયણિક ખેતી કરતા ખેડૂતો માટે પાકને જીવંત રાખવો એક મોટો પડકાર બની જાય છે. પરંતુ પ્રાકૃતિક ખેતી અપનાવનાર ખેડૂતો માટે આ ‘અગ્નિપરીક્ષા’ નથી, પણ ‘તક’ છે. પ્રાકૃતિક ખેતી માત્ર ઉત્પાદન માટે નથી, પણ જમીનને જીવંત રાખવાની કળા છે.
જેમાં આચ્છાદન જમીનનું રક્ષણ કરે છે.પ્રાકૃતિક ખેતીનો સૌથી મોટો ફાયદો ‘આચ્છાદન’ છે. જમીનને પાકના અવશેષો કે સૂકા ઘાસથી ઢાંકી દેવામાં આવે છે.

ભર ઉનાળે આચ્છાદનને કારણે સૂર્યના સીધા કિરણો જમીન પર પડતા નથી. જેને લીધે જમીનનું તાપમાન જળવાઈ રહે છે અને ભેજ લાંબા સમય સુધી ટકી રહે છે.પરિણામે જ્યાં રાસાયણિક ખેતીમાં દર 4-5 દિવસે પાણી આપવું પડે છે, ત્યાં પ્રાકૃતિક ખેતીમાં 10-12 દિવસ સુધી પાણીની જરૂર પડતી નથી.

પ્રાકૃતિક કૃષિનું બીજુ આયામ એટલે જીવામૃત,જે અબજો મિત્ર સૂક્ષ્મજીવોનું સામ્રાજ્ય છે.રાસાયણિક ખાતરો જમીનને કઠણ બનાવે છે, જ્યારે ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી બનેલું જીવામૃત જમીનને પોચી અને ફળદ્રુપ બનાવે છે.ગરમીમાં જ્યારે જમીન તપે છે, ત્યારે રાસાયણિક ખાતરો પાકના મૂળને ‘બાળી’ નાખે છે. તેની સામે જીવામૃત જમીનમાં સૂક્ષ્મજીવો અને અળસિયાની સંખ્યા વધારે છે, જે જમીનમાં કુદરતી છિદ્રો બનાવે છે.

પ્રાકૃતિક ખેતીમાં છોડને પાણીની નહીં, પણ ‘વાપ્સા’ એટલે કે ભેજ અને હવાના મિશ્રણ ની જરૂર હોય છે.જેથી ઉનાળામાં જમીન પોચી હોવાને કારણે રાત્રે હવામાં રહેલો ભેજ પણ જમીન શોષી લે છે. આ પ્રક્રિયાને લીધે ભર ઉનાળે પણ છોડ કરમાતો નથી અને લીલોછમ રહે છે.

પ્રાકૃતિક ખેતી એ પ્રકૃતિ સાથે તાલમેલ મિલાવવાની પદ્ધતિ છે. તે જમીનને ‘ક્રીમ’ જેવી નરમ બનાવે છે અને પાકને ગરમી સામે લડવાની આંતરિક શક્તિ આપે છે. જો આપણે ધરતી માતાને બચાવવા હશે અને ગ્લોબલ વોર્મિંગની અસરો સામે લડવું હશે, તો પ્રાકૃતિક ખેતી એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે.

આ પણ વાંચો :-