ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ:-

પંચમહાલ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના વ્યાપને વધારવા અને ખેડૂતોને આ અભિયાનમાં વધુ સક્રિય કરવાના ઉમદા હેતુ સાથે જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ અને અમલીકરણ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન કલેક્ટરશ્રીએ ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન પ્રાકૃતિક કૃષિ અંતર્ગત થયેલી વિવિધ ઘટકવાર પ્રવૃત્તિઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. જેમાં મુખ્યત્વે જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે જિલ્લાના વધુ ખેડૂતો સામેલ થાય તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો. જેમાં પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો ખેડૂતો સુધી અસરકારક રીતે પહોંચે તે માટે ક્લસ્ટર સ્તરે આપવામાં આવતી તાલીમની પ્રગતિ તપાસી જરૂરી સૂચનાઓ અપાઈ હતી.પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમના ઉત્પાદનનું યોગ્ય વળતર મળે તે માટે જિલ્લામાં વિવિધ સ્થળોએ પ્રાકૃતિક ખેતી પેદાશ વેચાણ કેન્દ્રો શરૂ કરવા બાબતે સઘન ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ગાય આધારિત ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા અપાતી ગાય નિભાવ ખર્ચ યોજના હેઠળ ખેડૂતોને મળતી સહાયની પ્રક્રિયા ઝડપી બનાવવા તાકીદ કરવામાં આવી હતી. તદુપરાંત તમામ ૭ તાલુકાઓમાં તાલુકા અમલીકરણ સમિતિની રચના કરી, ગ્રાસરૂટ લેવલે મોનિટરિંગ મજબૂત કરવા સૂચના આપવામાં આવી હતી.
કલેક્ટરશ્રીએ બેઠકના અંતે તમામ વિભાગોને સંકલનમાં રહીને પંચમહાલ જિલ્લાને પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે મોડેલ જિલ્લો બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, નાયબ પશુપાલન નિયામકશ્રી, નાયબ બાગાયત નિયામકશ્રી અને નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ) ના પ્રતિનિધિ, તમામ ૭ તાલુકાના નોડલ ઓફિસર અને તાલુકા કમિટીના અધ્યક્ષશ્રીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત પંચામૃત ડેરીના ખેતી અધિકારી, પ્રોજેક્ટ ડાયરેક્ટર (આત્મા), ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ મેનેજર (ગુજરાત પ્રાકૃતિક કૃષિ બોર્ડ) એ પણ હાજરી આપી કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો.
0000000