ડિજિટલ ક્રોપ સર્વેનું હવે ‘AI BOT’ દ્વારા થશે વેરિફિકેશન…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

ભારત સરકારની ‘એગ્રીસ્ટેક’ યોજના હેઠળ ખેતી ક્ષેત્રે આધુનિકતા અને પારદર્શિતા લાવવા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીને વધુ ચોક્કસ બનાવવા માટે હવે AI BOT (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બોટ) સિસ્ટમનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે.

જે અન્વયે નીચે મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સર્વેની પ્રક્રિયા: હાલમાં રવિ સીઝન દરમિયાન સર્વેયરો દ્વારા ખેતરોની રૂબરૂ મુલાકાત લઈને મોબાઈલ એપ્લિકેશન દ્વારા પાકના ફોટા અને ભૌગોલિક સ્થાન (Geo-Tag) સાથેની વિગતો નોંધવામાં આવી છે.

AI દ્વારા ખરાઈ: આ ડેટાની સચોટતા ચકાસવા માટે AI બોટનો ઉપયોગ કરવામાં આવશે. જે ખેડૂતોનો સર્વે પૂર્ણ થયો છે, તેમને ઓટોમેટેડ વોઈસ કોલ અથવા વોટ્સએપ મેસેજ દ્વારા સંપર્ક કરવામાં આવશે.

ખેડૂતોએ કરવાની કામગીરી: આ કોલ કે મેસેજ દ્વારા ખેડૂતો પાસેથી તેમના ખેતર અને પાક સંબંધિત માહિતીની પુષ્ટિ (વેરિફિકેશન) કરવામાં આવશે. ખેતી નિયામકની કચેરી દ્વારા ખેડૂતોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ આ કોલ પર સાચી અને સચોટ માહિતી પૂરી પાડે.

આ એક સંપૂર્ણ સરકારી પહેલ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ખેતીના ડેટાને પારદર્શક બનાવવાનો છે જેથી ભવિષ્યમાં ખેડૂતોને સરકારી યોજનાઓના લાભ ઝડપથી અને સીધા મળી શકે. ખેડૂતોને કોઈપણ પ્રકારની અફવાઓ કે ગેરમાર્ગે દોરનારી વાતોમાં ન આવવા સલાહ આપવામાં આવી છે.

રાજ્યના તમામ ખેડૂતોને આ ડિજિટલ અભિયાનમાં સક્રિય સહયોગ આપવા અને સરકારી પ્રક્રિયાઓ પ્રત્યે જાગૃત રહેવા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), ગોધરા, જિ. પંચમહાલ દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-