સુગમ ડિજિટલ ગુજરાત: હવે સરકારી સેવાઓ ઘર બેઠાં, ઝડપી અને સરળતાથી ઉપલબ્ધ…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

વેબ પોર્ટલ, મોબાઇલ એપ અને વોટ્સએપ મારફતે નાગરિકોને મળશે વિવિધ સરકારી સેવાઓનો લાભ

રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તા. 24 માર્ચ, 2026ના રોજ રાજ્યવ્યાપી “સુગમ ડિજિટલ ગુજરાત” પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારની આ મહત્વાકાંક્ષી ડિજિટલ ગવર્નન્સ પહેલનો મુખ્ય હેતુ નાગરિકોને સરકારી સેવાઓ ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ પદ્ધતિથી સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે.

“સુગમ” એટલે સરળ અને સહેલાઈથી ઉપલબ્ધ. આ પહેલ હેઠળ રાજ્યની સૌથી વધુ ઉપયોગમાં લેવાતી વિવિધ જાહેર સેવાઓને ડિજિટલ ગુજરાત પોર્ટલ સાથે સંકલિત કરવામાં આવી છે, જેના કારણે હવે નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવાની જરૂર નહીં રહે. તેઓ પોતાના ઘરેથી જ વિવિધ પ્રમાણપત્રો, સેવાઓ અને અરજીઓની પ્રક્રિયા ઓનલાઈન પૂર્ણ કરી શકશે.

સુગમ ડિજિટલ ગુજરાત અંતર્ગત નાગરિકોને વેબ પોર્ટલ, મોબાઇલ એપ્લિકેશન અને વોટ્સએપ આધારિત સેવાઓ દ્વારા સરકારી સેવાઓનો લાભ મેળવવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ વ્યવસ્થામાં આધાર આધારિત સુરક્ષિત ઓથેન્ટિકેશન, બારકોડ આધારિત દસ્તાવેજ ચકાસણી અને મજબૂત ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, આ ડિજિટલ પ્લેટફોર્મ એકસાથે અંદાજે 10 લાખથી વધુ વપરાશકર્તાઓને સરળતાથી સેવા પૂરી પાડવાની ક્ષમતા ધરાવે છે. ઉપરાંત, UPI આધારિત ઓનલાઈન ચુકવણી વ્યવસ્થાના સંકલનથી નાગરિકો વિવિધ સેવાઓ માટેની ફી પણ ત્વરિત અને કેશલેસ રીતે ભરી શકશે.

સુગમ ડિજિટલ ગુજરાતનો ઉપયોગ કેવી રીતે કરશો?

નાગરિકોએ સૌપ્રથમ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈ મોબાઇલ નંબર અથવા ઈ-મેઇલ આઈડી દ્વારા નોંધણી કરાવવાની રહેશે. ત્યારબાદ આધાર આધારિત ચકાસણી દ્વારા પોતાની પ્રોફાઇલ પૂર્ણ કરવી પડશે. ત્યાર પછી ડેશબોર્ડમાંથી જરૂરી સેવા અથવા પ્રમાણપત્ર પસંદ કરીને ઓનલાઈન અરજી કરી શકાશે.

અરજીની સ્થિતિ પણ ઓનલાઈન ટ્રેક કરી શકાશે અને અરજી મંજૂર થયા બાદ બારકોડ યુક્ત ડિજિટલ પ્રમાણપત્ર સીધું ડાઉનલોડ કરી શકાશે.

રાજ્ય સરકારની આ પહેલ ડિજિટલ ગુજરાતના વિઝનને વધુ મજબૂત બનાવવાની સાથે નાગરિકોને ઝડપી, પારદર્શક અને સરળ શાસન સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગથી સરકારી સેવાઓ હવે વધુ સુલભ, વિશ્વસનીય અને સમયબદ્ધ બનશે.

આ પણ વાંચો :-