હાલોલમાં 18 જૂને યોજાશે જિલ્લા કક્ષાની વાઇબ્રન્ટ સમિટ, તૈયારીઓને લઈ કલેક્ટર અજય દહિયાની સમીક્ષા બેઠક…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

પોલિકેબ ઇન્ડિયા લિમિટેડ ખાતે યોજાનારા સમિટ માટે વિવિધ સમિતિઓની રચના, 40થી વધુ એક્ઝિબિશન સ્ટોલ બનશે આકર્ષણનું કેન્દ્ર

ગુજરાત સરકાર દ્વારા આયોજિત ‘વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ’ અંતર્ગત મધ્ય ગુજરાત ઝોન માટે પંચમહાલ જિલ્લામાં આગામી 18 જૂન, 2026ના રોજ જિલ્લા કક્ષાની વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમ હાલોલ સ્થિત પોલિકેબ ઇન્ડિયા લિમિટેડના કોન્ફરન્સ હોલ ખાતે યોજાશે.

કાર્યક્રમના સફળ આયોજન અને સુચારૂ અમલીકરણને સુનિશ્ચિત કરવા જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે તમામ અમલીકરણ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ સમિટ પંચમહાલ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને યોજાનાર છે. બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રીએ વિવિધ વિભાગોના અધિકારીઓને કાર્યક્રમની રૂપરેખા, જવાબદારીઓ અને આયોજન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ કાર્યક્રમના દરેક પાસાની સમીક્ષા કરીને જરૂરી સૂચનાઓ પણ આપી હતી.

સમિટના સફળ સંચાલન માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. જેમાં સ્ટેજ અને બેઠક વ્યવસ્થાપન સમિતિ, બ્રાન્ડિંગ અને મીડિયા પ્રસારણ સમિતિ, કાયદો અને વ્યવસ્થા સમિતિ તેમજ તબીબી સેવા સમિતિ સહિતની ટીમોને અલગ-અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે.

કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ તરીકે વિવિધ સરકારી વિભાગો, ઉદ્યોગો અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓને રજૂ કરતા અંદાજે 40 જેટલા એક્ઝિબિશન સ્ટોલ ઉભા કરવામાં આવશે, જેના માધ્યમથી રોકાણ, ઉદ્યોગ અને વિકાસની નવી તકોને પ્રોત્સાહન આપવામાં આવશે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રણવ વિજયવર્ગીય, નિવાસી અધિક કલેક્ટર શ્રી જે.જે. પટેલ, પ્રાંત અધિકારીશ્રી, વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ તેમજ વિવિધ ઔદ્યોગિક એસોસિએશનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ સમિટને સફળ બનાવવા માટે તમામ જરૂરી તૈયારીઓ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-