વડોદરાથી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી, 25 મિનિટ સુધી AC-લાઇટ બંધ રહેતા મુસાફરો પરેશાન…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

વડોદરા : વડોદરા એરપોર્ટ પરથી દિલ્હી જવા રવાના થનારી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં રાત્રિના સમયે અચાનક ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરો ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ફ્લાઇટમાં વીજ પુરવઠો ખોરવાઈ જતાં એર કન્ડિશનર (AC) અને કેબિનની તમામ લાઇટો બંધ થઈ ગઈ હતી, જેના કારણે મુસાફરો અંદર જ ફસાઈ ગયા હતા અને ગૂંગળામણ જેવી સ્થિતિ ઉભી થઈ હતી.

મળતી માહિતી મુજબ, વડોદરાથી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટ નંબર 6E657માં આ ઘટના બની હતી. રાત્રે અંદાજે 08:50 વાગ્યાના સમયગાળા દરમિયાન ફ્લાઇટમાં અચાનક પાવર સપ્લાય બંધ થઈ ગયો હતો. જેના કારણે વિમાનની અંદર અંધારું છવાઈ ગયું હતું અને AC પણ બંધ થઈ જતા મુસાફરો ગરમી અને બફારાથી વ્યાકુળ બની ગયા હતા.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મુસાફરોને આશરે 25 મિનિટ સુધી વિમાનની અંદર જ રહેવું પડ્યું હતું. કેબિનમાં હવા બંધ થઈ જતા ઘણા મુસાફરો પોતાના હાથમાં રહેલા ન્યૂઝપેપર, ઓફિસ ફાઇલ અને અન્ય વસ્તુઓથી પવન નાખતા જોવા મળ્યા હતા. કેટલાક મુસાફરો ગભરાઈ ગયા હતા જ્યારે બાળકો અને વૃદ્ધોને વધુ મુશ્કેલી પડી હતી.

આ સમગ્ર ઘટનાનો વીડિયો એક મુસાફરે પોતાના મોબાઇલમાં કેદ કર્યો હતો, જે બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં મુસાફરો પરેશાન હાલતમાં નજરે પડી રહ્યા છે.

એરપોર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર, વિમાનના GPU (Ground Power Unit)માં ટેકનિકલ ખામી સર્જાતા આ સમસ્યા ઉભી થઈ હતી. નોંધનીય છે કે જ્યારે વિમાન જમીન પર ઊભું હોય છે ત્યારે તેની અંદરની લાઇટ, એર કન્ડિશનિંગ અને અન્ય મહત્વપૂર્ણ સિસ્ટમ્સને વીજ પુરવઠો પૂરો પાડવાનું કામ GPU દ્વારા કરવામાં આવે છે.

ઘટનાની જાણ થતાં જ ઇન્ડિગોની ટેકનિકલ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ખામી દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. લગભગ 25 મિનિટની જહેમત બાદ પાવર સપ્લાય ફરી શરૂ કરવામાં આવ્યો હતો, જેના કારણે લાઇટો અને AC ફરી કાર્યરત બન્યા હતા. ત્યારબાદ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ટેકનિકલ ખામી દૂર થયા બાદ ફ્લાઇટને સુરક્ષિત રીતે દિલ્હી જવા રવાના કરવામાં આવી હતી. જોકે, આ ઘટનાએ મુસાફરોમાં એરલાઇનની સુરક્ષા અને સુવિધા વ્યવસ્થા અંગે અનેક સવાલો ઉભા કર્યા છે.

આ પણ વાંચો :-