ચીનમાં 5.2ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ, 2નાં મોત, 13 ઈમારતો ધરાશાયી, 7000થી વધુ લોકોનું સ્થળાંતર…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

ચીનના દક્ષિણ ભાગમાં આવેલા Guangxi સ્વાયત્ત પ્રદેશમાં સોમવારની વહેલી સવારે આવેલા શક્તિશાળી ભૂકંપથી ભારે તબાહી મચી ગઈ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 2 લોકોનાં મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ હજુ પણ ગુમ હોવાનું સામે આવ્યું છે. ભૂકંપની તીવ્રતા એટલી વધુ હતી કે લોકો ગભરાઈને મધરાતે જ પોતાના ઘરો છોડીને રસ્તાઓ પર દોડી આવ્યા હતા.

ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆ અને CCTVના અહેવાલો અનુસાર, રાત્રે 12:21 વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર Guangxi પ્રદેશના Liuzhou શહેરના Liunan જિલ્લામાં Taiyangchun નગર નજીક હતું. ભૂકંપનું કેન્દ્ર જમીનથી માત્ર 8 કિલોમીટરની ઊંડાઈએ હોવાથી આંચકા ખૂબ જ જોરદાર અનુભવાયા હતા.

આ શક્તિશાળી આંચકાઓને કારણે 13 ઇમારતો પળવારમાં ધરાશાયી થઈ ગઈ હતી, જ્યારે અનેક ઘરો અને રહેણાંક વિસ્તારોને ભારે નુકસાન પહોંચ્યું છે. પરિસ્થિતિને ગંભીર ગણાવી સ્થાનિક પ્રશાસને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. અત્યાર સુધીમાં 7000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે અને અસરગ્રસ્તો માટે અસ્થાયી રાહત શિબિરો ઉભી કરવામાં આવી છે.

બચાવ દળો સતત કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે કામગીરી કરી રહ્યા છે. અકસ્માતમાં ઘાયલ થયેલા ચાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું કહેવાય છે. ગુમ થયેલા એક વ્યક્તિની શોધખોળ હજુ પણ ચાલુ છે.

ભૂકંપની અસર માત્ર Liuzhou સુધી મર્યાદિત રહી નહોતી, પરંતુ Guangxi પ્રદેશના અન્ય શહેરો Nanning અને Guilinમાં પણ લોકો જોરદાર આંચકાથી દહેશતમાં આવી ગયા હતા.

સાવચેતીના ભાગરૂપે રેલ્વે વિભાગે તમામ રેલ લાઇનોની સુરક્ષા તપાસ શરૂ કરી છે, જેના કારણે કેટલીક ટ્રેનોના સમયપત્રક પર અસર પડી શકે છે. જોકે, વીજળી, પાણી, ગેસ અને ટેલિકોમ જેવી જરૂરી સેવાઓ હાલ સામાન્ય રીતે કાર્યરત હોવાનું જણાવાયું છે.

ચીનના આપત્તિ વ્યવસ્થાપન વિભાગે આફ્ટરશોક્સની શક્યતાને ધ્યાનમાં રાખીને મોનિટરિંગ વધાર્યું છે અને લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે.

આ પણ વાંચો :-