ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

કીવ/મોસ્કો : રશિયા અને યુક્રેન વચ્ચેનો યુદ્ધ સંઘર્ષ વધુ ઉગ્ર બન્યો છે. યુક્રેન દ્વારા રશિયા પર અત્યાર સુધીના સૌથી મોટા ડ્રોન હુમલાઓ પૈકીનો એક હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ આ હુમલામાં ચાર લોકોનાં મોત થયા છે જ્યારે 12 જેટલા લોકો ઘાયલ થયા છે.
રશિયાના કેટલાક વિસ્તારોમાં ડ્રોનનો કાટમાળ પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, રશિયાના સૌથી મોટા એરપોર્ટ પર ડ્રોનનો કાટમાળ પડ્યો હોવા છતાં કોઈ મોટું નુકસાન થયું ન હોવાનું જણાવાયું છે.
બીજી તરફ યુક્રેન એરફોર્સે દાવો કર્યો છે કે રશિયાએ રવિવારની રાત્રે યુક્રેન પર 287 ડ્રોનથી હુમલો કર્યો હતો. જેમાંથી 279 ડ્રોનને યુક્રેનની સુરક્ષા એજન્સીઓએ તોડી પાડ્યા અથવા જામ કરી દીધા હતા.
યુક્રેનની ઇમરજન્સી સેવાઓ અનુસાર મધ્ય નિપ્રોપેટ્રોવ્સ્ક વિસ્તારમાં થયેલા હુમલામાં આઠ લોકો ઘાયલ થયા હતા અને અનેક રહેણાંક ઇમારતોને નુકસાન પહોંચ્યું હતું.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ રશિયા સામે કરવામાં આવેલા આ ડ્રોન હુમલાઓને યોગ્ય ઠેરવતા જણાવ્યું હતું કે, રશિયા લાંબા સમયથી યુક્રેનના શહેરો અને નાગરિક વિસ્તારોને નિશાન બનાવી રહ્યું છે, જેના જવાબરૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે.
રશિયાના સ્થાનિક ગવર્નરના જણાવ્યા મુજબ ખિમકી શહેરમાં ડ્રોન હુમલાની ચપેટમાં આવતા એક મહિલાનું મોત થયું હતું. જ્યારે રાજધાની કીવથી આશરે 10 કિલોમીટર દૂર આવેલા પોગોરેલ્કી ગામમાં બે પુરુષોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.