જામનગરમાં RTE ફોર્મ રદ મામલે NSUI-યુથ કોંગ્રેસની રજૂઆત રંગ લાવી, બે વિદ્યાર્થીઓને મળ્યો પ્રવેશ…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

જામનગર ખાતે આરટીઈ ફોર્મ ચકાસણી દરમિયાન થયેલી વહીવટી ભૂલના કારણે બે વિદ્યાર્થીઓના એડમિશન ફોર્મ રદ થવાના મામલે NSUI અને યુથ કોંગ્રેસની રજૂઆત સફળ રહી છે. બંને વિદ્યાર્થીઓને અંતે શાળામાં પ્રવેશ ફાળવવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, જામનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની વેરિફાયર ટીમ દ્વારા આરટીઈ ફોર્મ ચકાસણી દરમિયાન ગંભીર બેદરકારી દાખવવામાં આવી હતી. જેના કારણે કેટલાક વિદ્યાર્થીઓના આરટીઈ એડમિશન ફોર્મ રદ થઈ ગયા હતા અને વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહે તેવી સ્થિતિ સર્જાઈ હતી.

આ મામલાની જાણ થતાં જ NSUI અને યુથ કોંગ્રેસની ટીમે જિલ્લા શિક્ષણાધિકારીને રૂબરૂ મળી રજૂઆત કરી હતી. ટીમે કચેરીની ભૂલના કારણે વિદ્યાર્થીઓના ફોર્મ રદ ન કરવા અને તેમને ન્યાય અપાવવા માંગણી કરી હતી.

રજૂઆતને ગંભીરતાથી લઈને જિલ્લા શિક્ષણાધિકારીએ તાત્કાલિક રાજ્ય શિક્ષણ વિભાગને સમગ્ર મામલે લેખિત જાણ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

અંતે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા જે વિદ્યાર્થીઓના આરટીઈ ફોર્મ રદ કરવામાં આવ્યા હતા, તે ફરી માન્ય રાખવામાં આવ્યા છે અને સંબંધિત બંને વિદ્યાર્થીઓને એડમિશન ફાળવી દેવામાં આવ્યું છે.

આ નિર્ણય બાદ NSUI અને યુથ કોંગ્રેસે સંતોષ વ્યક્ત કર્યો હતો તેમજ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા બદલ જિલ્લા શિક્ષણાધિકારીનો આભાર માન્યો હતો.

આ પણ વાંચો :-