ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ CBSE દ્વારા ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. લાંબા સમયથી પરિણામની રાહ જોતા લાખો વિદ્યાર્થીઓનો આતુરતાનો અંત આવ્યો છે. આ વર્ષે કુલ 85.20 ટકા વિદ્યાર્થીઓ સફળ થયા છે.
આ વર્ષના પરિણામમાં ફરી એકવાર વિદ્યાર્થીનીઓએ વિદ્યાર્થીઓ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. છોકરીઓની પાસ ટકાવારી 88.86 ટકા નોંધાઈ છે, જ્યારે છોકરાઓની પાસ ટકાવારી 82.13 ટકા રહી છે. આમ, છોકરીઓએ 6.73 ટકા જેટલી સરસાઈ મેળવી છે.
વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ CBSEની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in અને cbseresults.nic.in પર જોઈ શકે છે. ઉપરાંત DigiLocker અને UMANG એપ પર પણ સ્કોરકાર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. પરિણામ જોવા માટે રોલ નંબર, સ્કૂલ કોડ, એડમિટ કાર્ડ આઈડી અને જન્મ તારીખ જરૂરી રહેશે.
CBSE દ્વારા કોરોના મહામારી બાદથી સત્તાવાર ટોપર્સ લિસ્ટ જાહેર કરવાની પરંપરા બંધ કરવામાં આવી છે, જે આ વર્ષે પણ ચાલુ રાખવામાં આવી છે. દરેક વિષયમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 33 ટકા ગુણ જરૂરી રહેશે.
જે વિદ્યાર્થીઓ પોતાના પરિણામથી સંતુષ્ટ નથી, તેઓ ગુણ ચકાસણી, રી-ચેકિંગ અથવા રિ-વેલ્યુએશન માટે અરજી કરી શકશે.
છેલ્લા પાંચ વર્ષના પરિણામ મુજબ 2025માં 88.39 ટકા, 2024માં 87.98 ટકા, 2023માં 87.33 ટકા, 2022માં 92.71 ટકા અને 2021માં 99.37 ટકા પરિણામ નોંધાયું હતું.