દાહોદ, જીગ્નેશ પંચાલ :-

દાહોદના ઝાલત ગામ નજીક એક હોટલ પરથી રિવર્સ લેતી વખતે લક્ઝરી બસને પાછળથી આવતી એક ટ્રકે ટક્કર મારતા એક પેસેન્જર નું ઘટના સ્થળ પર જ મોત નીપજયું હતું, જયારે ૧૭ જેટલા પેસેન્જરોને નાની મોટી ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ ગંભીર અકસ્માત અંગેની મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશ પરિવહન નિગમની એક પેસેન્જર બસ દાહોદના જાલત ગામ પાસે આવેલી અવંતિકા હોટલ પાસે ટર્ન લઈ રહી હતી તે દરમિયાન પાછળથી પુરપાટ દોડતી આવતી ટ્રકે બસને પાછળના ભાગે અચાનક ટ્રક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી પ્રચંડ હતી કે બસ પલટી મારી રોડ પર ઘસડાતી ગઈ હતી. જેના કારણે સ્થળ પર અફરા તફરી મચી જવા પામી હતી. અકસ્માત સમયે બસમાં મોટી સંખ્યામાં મુસાફરો સવાર હતા. ટ્રકની ટક્કરથી બસના એક ભાગને ભારે નુકસાન થવા પામ્યું હતું. આ દુર્ઘટનામાં બસમાં સવાર પેસેન્જરો પૈકી એક પેસેન્જરનું સ્થળ પર જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ૧૭ જેટલા પેસેન્જરોને ઓછી વત્તી ઈજાઓ થવા પામી હતી. અકસ્માતનું દ્રશ્ય જોઈ આસપાસના લોકોમાં દહેશત ફેલાવવા પામી હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો તરત જ મદદે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ત્યારબાદ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જાલતથી ઝાયડસ હોસ્પિટલ સુધીનો વિસ્તાર ૧૦૮ એમ્બ્યુલન્સની સાયરનથી ગુંજી ઉઠ્યો હતો. કેટલાક ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરાવ્યો… અકસ્માતની માહિતી મળતાની સાથે જ દાહોદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થળ પર ટ્રાફિક નિયંત્રણમાં લઈ માર્ગ પર જામ ના સર્જાય તે માટે વ્યવસ્થા ગોઠવી હતી. તેમજ ટ્રક અને બસને રસ્તા પરથી હટાવી હાઇવે પુનઃ ધમધમતો કરાવ્યો હતો. પ્રાથમિક તપાસમાં બસ ટર્ન લેતી વખતે પાછળથી ટ્રક ચાલકની બેદરકારીને કારણે અકસ્માત સર્જાયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એક બાળકની હાલત ગંભીર-… ડીવાયએસપી.. દાહોદ ડીવાયએસપી જગદીશ ભંડારીએ જણાવ્યું કે ઈન્દોર થી અમદાવાદ જતી લક્ઝરી બસને અવંતિકા હોટલ પાસે ટ્રકે ટક્કર મારી હતી આ અકસ્માતમાં લક્ઝરી પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે. બાકી કેટલાકને ઈજાઓ પહોંચતા તેઓને દાહોદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જેમાં એક બાળકની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અને બાકીના લોકોની સ્થિતિ સારી છે. હાલ ઇજાગ્રસ્તોની સારવાર ચાલુ છે. પોલીસ આગળ તપાસ ચલાવી રહી છે. મારો ભાઈ બસ નીચે દબાયેલો મળ્યો: મૃતકનો ભાઈ… અકસ્માતમાં મોતને ભેટેલા પેસેન્જર ના ભાઈ મનીષે જણાવ્યું કે, અમે ભૂરા ટાબરાથી ૧૦:૪૦ કલાકે બસમાં બેઠા હતા. બસ હાઇવે પરથી હોટલ પાસે વળી એ દરમિયાન પાછળથી ટ્રકે ટક્કર મારતા બસ પલટી મારીને ગબડી ગઈ હતી. જે બાદ અમને કંઈ ખબર ન પડી. મારો ભાઈ ન મળતા અમે તેની શોધખોળ કરી તો તે બસની નીચે દબાયેલો મળ્યો હતો. અમે ઊંઘમાં હતા અને અચાનક બસ પલટી.. મેહુલ પંચાલ નામના પેસેન્જરે જણાવ્યું, કે અમે ઈન્દોર થી અમદાવાદ આવતી બસમાં દાહોદ આવવા માટે રાતે સાડા સાત વાગે ટિકિટ લીધી હતી. જે લક્ઝરી બસ ઈંદોરથી રાતે સવા આઠ વાગે ઉપડી હતી. અમે ઊંઘમાં હતા અને અચાનક જાગ્યા તો જોયું કે બસ પલટી ખાઈ ગઈ છે. અમને થોડી ઇજાઓ પહોંચી છે અમે મધ્યપ્રદેશમાં રેલવેની પરીક્ષા આપવા માટે ગયા હતા. અખરુદ્દીન નામના પેસેન્જરે જણાવ્યું કે, આ બસમાં હું રાજગઢથી બેઠો હતો. અને અમે બસમાં ઊંઘી રહ્યા હતા ત્યારે અચાનક અવાજ આવ્યો ને હું જાગ્યો તો બસ પલટી ગઈ હોવાની જાણ થઈ હતી. મને વધુ ઇજાઓ પહોંચી નથી છાતીમાં થોડું વાગ્યું છે આ બધું કઈ રીતે થયું એ ખબર જ ન પડી. જ્યારે સંજય નામના પેસેન્જર એ જણાવ્યું કે ઈન્દોર થી અમદાવાદ જતી બસમાં હું રાણાપુર થી બેઠો હતો. દાહોદ થી પહેલા બસને પાછળથી ટ્રકે ટક્કર મારતા અકસ્માત થયો અને અકસ્માતમાં બસ પલટી ખાઈ ગઈ હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે ઘણા લોકોને ઈજા પહોંચતા તેમને 108 દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઇન્દોર-અમદાવાદ હાઇવે પર અવારનવાર અકસ્માતોની ઘટનાઓ સામે આવતી હોવાને કારણે માર્ગ સલામતી અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. પોલીસે સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરી છે અને ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની પ્રક્રિયા ચાલી રહી હોવાનું જવાબદાર અધિકારીઓએ જણાવ્યું છે.