ગુજરાતમાં આકરી ગરમીનો કહેર: 45 ડિગ્રી સુધી તાપમાનની આગાહી, કચ્છ-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ ઍલર્ટ…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

ગુજરાતમાં ઉનાળાએ હવે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમી યથાવત રહેવાની શક્યતા છે. પશ્ચિમી પવનોના પ્રભાવને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન 41થી 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિવિધ જિલ્લાઓમાં હીટવેવ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે, 11 મેથી 17 મે દરમિયાન રાજ્યમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. આગામી ચાર દિવસ સુધી મહત્તમ તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય, જોકે ત્યારબાદ 2થી 3 ડિગ્રી સુધી ઘટાડો થઈ શકે છે. 11થી 14 મે દરમિયાન હીટવેવની સત્તાવાર ચેતવણી આપવામાં આવી છે.

કચ્છ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ ઍલર્ટ

સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી ત્રણ દિવસ માટે ઓરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે દ્વારકા, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતના બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, આણંદ, વડોદરા, સુરત અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં યલો ઍલર્ટ જાહેર કરાયું છે.

પવનની ગતિમાં પણ વધારો

હવામાન વિભાગ મુજબ ઉત્તર ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાનો પવન ફૂંકાશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશાનો પવન રહેશે. પવનની ગતિ 15થી 20 નોટ સુધી રહેવાની શક્યતા છે, જે વધીને 25 નોટ સુધી પહોંચી શકે છે.

અમદાવાદ સહિત અનેક શહેરોમાં તાપમાન ઉંચકાયું

અમદાવાદમાં આજે આકાશ સ્વચ્છ રહેવાની સાથે મહત્તમ તાપમાન 44 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. રાજ્યમાં સૌથી વધુ તાપમાન કંડલા એરપોર્ટ પર 45.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે સામાન્ય કરતાં 4.2 ડિગ્રી વધુ છે.

આ ઉપરાંત:

  • સુરેન્દ્રનગર – 45°C
  • અમદાવાદ – 43.3°C
  • ગાંધીનગર – 42.9°C
  • સુરત – 41.7°C

રાજ્યના પાંચ સ્થળોએ હીટવેવ નોંધાઈ છે, જેમાં સુરત, પોરબંદર, કેશોદ, કંડલા એરપોર્ટ અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.

હવામાન વિભાગે લોકોને બપોર દરમિયાન અનાવશ્યક બહાર ન નીકળવા, પૂરતું પાણી પીવાનું અને ગરમીથી બચવા ખાસ સાવચેતી રાખવાની અપીલ કરી છે.

આ પણ વાંચો :-