ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

પંચમહાલ જિલ્લામાં ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં વધતા ધ્વનિ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ જિલ્લામાં તા. 7 જુલાઈ 2026 સુધી રાત્રિના 10:00 વાગ્યાથી સવારના 6:00 વાગ્યા સુધી DJ વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
જાહેરનામા અનુસાર, લગ્ન પ્રસંગો, વરઘોડા, ધાર્મિક રેલીઓ તેમજ અન્ય સામાજિક કાર્યક્રમોમાં DJ સિસ્ટમના કર્કશ અવાજથી વિદ્યાર્થીઓના અભ્યાસ, વરિષ્ઠ નાગરિકોના સ્વાસ્થ્ય તેમજ દર્દીઓની સારવાર પર ગંભીર અસર થતી હોવાનું તંત્રના ધ્યાને આવ્યું હતું. ઉપરાંત હાઈવે અને મુખ્ય માર્ગો પર DJના વધુ અવાજને કારણે વાહનોના હોર્ન સંભળાતા ન હોવાથી અકસ્માતોની શક્યતાઓ પણ વધી રહી હોવાનું જણાવાયું છે.
શાંત વિસ્તારોમાં ખાસ પ્રતિબંધ
જિલ્લા પ્રશાસન દ્વારા શાળાઓ, કોલેજો, હોસ્પિટલો, અદાલતો અને ધાર્મિક સ્થળોના 100 મીટર વિસ્તારને “Silent Zone” જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારોમાં માઈક, લાઉડસ્પીકર અથવા DJનો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે.
પૂર્વ મંજૂરી ફરજિયાત
કોઈપણ ધાર્મિક કે સામાજિક પ્રસંગે DJ અથવા લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા માટે સંબંધિત મામલતદાર, પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ અને GPCBની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત રહેશે.
અવાજની મર્યાદા નક્કી
GPCB દ્વારા વિવિધ વિસ્તારો માટે અવાજની ડેસિબલ મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે:
- રહેણાંક વિસ્તાર: દિવસ દરમિયાન 55 DB અને રાત્રે 45 DB
- શાંત વિસ્તાર: દિવસ દરમિયાન 50 DB અને રાત્રે 40 DB
જિલ્લા પ્રશાસને તમામ નાગરિકોને જાહેરનામાનું પાલન કરવા અને પર્યાવરણ તથા જાહેર આરોગ્યની જાળવણીમાં સહયોગ આપવા અપીલ કરી છે. જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.