ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

અમદાવાદના જોધપુર વિસ્તારમાં આજે આગની ગંભીર ઘટના સામે આવી છે. જોધપુર BRTS બસ સ્ટેન્ડ નજીક આવેલી એક મેડિકલ સ્ટોરના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગોડાઉનમાં દવાઓ અને મેડિકલ સામગ્રીનો મોટો જથ્થો સંગ્રહિત હોવાથી આગ ઝડપથી પ્રસરી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગની 4 ગાડીઓનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. ફાયર ફાઈટરો દ્વારા ચારેબાજુથી પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
પ્રાથમિક માહિતી મુજબ, ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિ નોંધાઈ નથી. જોકે ગોડાઉનમાં રાખવામાં આવેલ દવાઓનો જથ્થો અને અન્ય મેડિકલ સાધનો આગમાં બળીને ખાખ થઈ જતાં મોટા આર્થિક નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાયર વિભાગ દ્વારા આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવશે.
જોધપુર BRTS સ્ટેન્ડની નજીક આગ લાગતા ટ્રાફિક વ્યવસ્થા પર પણ અસર જોવા મળી હતી. પોલીસે સાવચેતીના ભાગરૂપે આસપાસનો વિસ્તાર ખાલી કરાવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી.