ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં ફ્લાયઓવર બ્રિજના બાંધકામને પગલે ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. અમદાવાદ-ગોધરા-દાહોદ-ઇન્દોર હાઈવે પર કિમી 116/8 થી 129/4 વચ્ચે ચાલી રહેલી કામગીરીને કારણે મુખ્ય માર્ગનો અંદાજે 11 થી 12 મીટરનો ભાગ અવરોધિત થયો છે. આ પરિસ્થિતિમાં ટ્રાફિકની સમસ્યા ટાળવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જે.જે. પટેલ (જી.એ.એસ.) દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા અનુસાર, શહેરમાં આવતી અને જતી સરકારી તેમજ ખાનગી બસો માટે ખાસ ડાયવર્ઝન રૂટ નક્કી કરવામાં આવ્યા છે, જેથી ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રહે.

બસો માટેના મુખ્ય ડાયવર્ઝન રૂટ :-
મધ્યપ્રદેશ-સંતરોડ-દાહોદ-ઝાલોદ-દેવગઢ બારીયા તરફથી આવતી બસો:
પરવડી ચોકડી (જલારામ સ્કૂલ) થી કોટડા ગામ, ચંચોપા ચોકડી, કંકુથાંભલા ચોકડી, છબનપુર અંડરબ્રીજ, પંચામૃત ડેરી સર્કલ, SRP-FCI ગોડાઉન અને ભુરાવાવ ચોકડી થઈને હંગામી બસ સ્ટેન્ડ સુધી અવર-જવર કરશે. આ જ રૂટથી ગોધરા તરફથી જતી બસો પણ ગંતવ્ય તરફ જશે.
અમદાવાદ રોડ તરફથી આવતી બસો:
ત્રિમંદિર, ભામૈયા, સીમલા અને સેન્ટ આર્નોલ્ડ સ્કૂલ થઈને હંગામી બસ સ્ટેન્ડ સુધી જશે. ગોધરાથી અમદાવાદ જતી બસો પણ આ જ રૂટ અનુસરે છે.
વડોદરા-હાલોલ તરફથી આવતી બસો:
તૃપ્તિ હોટલથી લીલેસરા ચોકડી, ગદુકપુર ચોકડી, બામરોલી ચોકડી, પરવડી ચોકડી, છબનપુર અંડરબ્રીજ અને ભુરાવાવ ચોકડી થઈ હંગામી બસ સ્ટેન્ડ સુધી પહોંચશે.
શામળાજી-લુણાવાડા તરફથી આવતી બસો:
છબનપુર અંડરબ્રીજ, પંચામૃત ડેરી સર્કલ, SRP-FCI ગોડાઉન અને ભુરાવાવ ચોકડી થઈને હંગામી બસ સ્ટેન્ડ સુધી જશે.
દામાવાવ-બામરોલી રોડની બસો:
બામરોલી ચોકડી અને પરવડી ચોકડી થઈ ઉપરોક્ત રૂટ દ્વારા અવર-જવર કરશે.
ખાસ જોગવાઈઓ :-
હાલોલ-વડોદરા તરફ જતી માત્ર સરકારી બસોને તા. 30 જૂન 2026 સુધી તૃપ્તિ હોટલ, સિવિલ લાઇન્સ રોડ, ચર્ચ અને પોલીસ હેડક્વાર્ટર થઈ ભુરાવાવ ચોકડી સુધી જવાની મંજૂરી રહેશે. ત્યારબાદ તમામ બસોએ ફરજિયાતપણે નક્કી કરેલા ડાયવર્ઝન રૂટનો જ અમલ કરવો રહેશે.
આ રૂટ પર લાલબાગ બસ સ્ટેન્ડ નજીક મુસાફરોને ચડાવ-ઉતાર માટે સ્ટોપેજ કરવાની મંજૂરી નહીં હોય. તેમજ હાલોલ-કાલોલ તરફથી કંપનીના સ્ટાફને લાવવા-લઈ જતી ખાનગી બસોને ગોધરા શહેરમાં પાર્કિંગ કરવાની મંજૂરી નહીં હોય અને માત્ર કળશ સર્કલ સુધી જ અવર-જવર કરવાની છૂટ આપવામાં આવી છે.
તંત્ર દ્વારા સ્પષ્ટ જણાવાયું છે કે આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.