અમદાવાદ: માધુપુરા માર્કેટમાં પાર્કિંગની બબાલ બની જીવલેણ, ચાર શખસોના ઢોર મારથી યુવકનું મોત…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા વ્યસ્ત માધુપુરા માર્કેટમાં પાર્કિંગ જેવી સામાન્ય બાબતે થયેલી તકરાર હત્યામાં પરિવર્તિત થતાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગત 3 મેના રોજ બપોરે બનેલી આ ઘટનામાં 26 વર્ષીય શ્રમિક યુવકનું જાહેરમાં નિર્દયી રીતે માર મારીને મોત નિપજાવવામાં આવ્યું હતું.

મળતી માહિતી મુજબ, મૃતક મિથિલેશ ઉર્ફે મુન્નો (ઉ.વ. 26) અને તેનો મોટો ભાઈ સંદીપ મિશ્રા મૂળ ઉત્તર પ્રદેશના ઈટાવાના રહેવાસી છે અને છેલ્લા સાત વર્ષથી માધુપુરા માર્કેટમાં મજૂરી કરી જીવન નિર્વાહ કરતા હતા.

ફરિયાદ મુજબ, 3 મેના રોજ બપોરે લગભગ 12:30 થી 1:00 વાગ્યાના સમયગાળા દરમિયાન ટુ-વ્હીલર પાર્કિંગ બાબતે મિથિલેશ અને કેટલાક પીકઅપ બોલેરોના ડ્રાઈવરો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા ઇન્દ્રજીતકુમાર પટેલ, આકાશ પટેલ, આકાશ રાઉત અને લાલીપ્રસાદ પ્રસાદે ભેગા મળી મિથિલેશ પર લોખંડના સળિયા અને કમરના પટ્ટા (બેલ્ટ) વડે હુમલો કર્યો હતો, જે જીવલેણ સાબિત થયો હતો.

ઘટના સમયે મૃતકનો મોટો ભાઈ સંદીપ માર્કેટના ગેટ પાસે હાજર હતો. તે દરમિયાન 108 એમ્બ્યુલન્સ આવતાં તે સ્થળ પર પહોંચ્યો, જ્યાં તેણે પોતાના ભાઈને લોહીલુહાણ હાલતમાં જમીન પર પડેલો જોયો હતો. એમ્બ્યુલન્સના ડોક્ટરે તપાસ કર્યા બાદ મિથિલેશને મૃત જાહેર કર્યો હતો.

આ ઘટનાને પગલે શાહીબાગ પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે ચાર આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. પોલીસે માર્કેટ વિસ્તારમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે અને પ્રત્યક્ષદર્શીઓ તેમજ સુરક્ષા કર્મચારીઓના નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

હાલ પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-