ગોધરા, (પંચમહાલ) સાજીદ શેખ :-

“રોગ થયા પછી સારવાર કરતાં, રોગ ન થાય તે માટે સાવચેતી રાખવી વધુ શ્રેષ્ઠ” : રાજ્યસભા સાંસદ ડૉ. જસવંતસિંહ એસ. પરમાર
મળતી વિગતો મુજબ લોકહિત જાગૃત યુવા ફાઉન્ડેશન ટ્રસ્ટ, ગોધરા દ્વારા શહેરમાં “આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ”નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આધુનિક જીવનશૈલી, વધતું માનસિક તણાવ, જંકફૂડ, ઓનલાઈન ગેમિંગ અને વિવિધ પ્રકારના વ્યસનોના કારણે સમાજમાં વધી રહેલા શારીરિક તેમજ માનસિક રોગો અંગે જનજાગૃતિ લાવવાના હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો, સમાજના આગેવાનો અને તબીબી ક્ષેત્રના નિષ્ણાતોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા રાજ્યસભાના સાંસદ અને જાણીતા જનરલ સર્જન ડૉ. જસવંતસિંહ એસ. પરમારે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આજે કેન્સર જેવા ગંભીર રોગો, માનસિક સ્વાસ્થ્ય અને વ્યસન (એડિક્શન) જેવા અત્યંત મહત્વના વિષયો અંગે નિષ્ણાતો પાસેથી વિસ્તૃત માહિતી મળી છે. પરંતુ માત્ર રોગોની જાણકારી મેળવવી પૂરતી નથી, આ તમામ સમસ્યાઓથી બચવા માટે કઈ પ્રકારની જીવનશૈલી અપનાવવી જોઈએ તે સમજવું પણ એટલું જ જરૂરી છે.
તેમણે જણાવ્યું હતું કે, “Prevention is Better Than Cure”, એટલે કે રોગ થયા પછી સારવાર કરાવવા કરતાં રોગ ન થાય તે માટે અગાઉથી સાવચેતી રાખવી વધુ શ્રેષ્ઠ છે. સ્વસ્થ જીવન માટે સંતુલિત દિનચર્યા, પૌષ્ટિક અને સંતુલિત આહાર, નિયમિત કસરત, પૂરતી ઊંઘ તથા સકારાત્મક વિચારસરણી અત્યંત જરૂરી છે. વ્યક્તિનું સારું સ્વાસ્થ્ય જ પરિવાર અને સમાજના સુખી જીવનનો પાયો હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
ડૉ. પરમારે વર્ષ ૨૦૪૭ના વિકસિત ભારતના વિઝનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, દેશની યુવા શક્તિ આ વિઝનને સાકાર કરવાની સૌથી મોટી તાકાત છે. ભારતની અંદાજે ૧૪૦ કરોડની વસ્તીની સરેરાશ ઉંમર લગભગ ૨૮.૪ વર્ષ છે, જે વિશ્વમાં ભારતને સૌથી યુવા દેશોમાં સ્થાન અપાવે છે.
તેમણે ખાસ કરીને જણાવ્યું હતું કે મુસ્લિમ સમાજમાં યુવાનોનું પ્રમાણ દેશની સરેરાશ કરતાં વધુ છે. જો આ યુવા પેઢીને વ્યસન, માનસિક તણાવ, નિરાશા અને વિવિધ બીમારીઓથી દૂર રાખી શકાશે, તો તેઓ દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકશે. સ્વસ્થ અને સશક્ત યુવાનો જ વિકસિત ભારતના સાચા શિલ્પી બનશે, તેથી દરેક પરિવારે પોતાના બાળકોમાં સારા સંસ્કાર, આરોગ્યપ્રદ જીવનશૈલી અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવી જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું.
કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે મૌલાના શોયેબલ ચીમાજી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આરોગ્ય સાથે માનસિક શાંતિ, નૈતિક મૂલ્યો અને વ્યસનમુક્ત જીવનના મહત્વ પર પ્રકાશ પાડતાં સમાજમાં સકારાત્મક વિચારસરણી અપનાવવાની અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં સિનિયર ઓન્કો સર્જન ડૉ. રક્ષિત શાહ, ગોધરા સિવિલ હોસ્પિટલની ટીમ, AHMPAના પ્રમુખ ડૉ. સમીર મેમણ, મનોચિકિત્સક ડૉ. મેહુલ તડવી, સાયકોલોજિસ્ટ ડૉ. જિતેન્દ્ર હડીયલ સહિતના તબીબી નિષ્ણાતોએ વિવિધ વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ડિપ્રેશન, ચિંતા, વ્યસન, કેન્સરથી બચાવ, આયુર્વેદિક જીવનશૈલી અને સમયસર નિદાનના મહત્વ અંગે ઉપયોગી માહિતી આપી હતી તેમજ ઉપસ્થિતોના પ્રશ્નોના સંતોષકારક જવાબો પણ આપ્યા હતા.
કાર્યક્રમમાં ગોધરા નગરના વિવિધ ક્ષેત્રના આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિતોએ આરોગ્ય સંબંધિત માહિતીને ખૂબ જ રસપૂર્વક સાંભળી હતી.
અંતે લોકહિત જાગૃત યુવા ફાઉન્ડેશન ટ્રસ્ટ, ગોધરા દ્વારા તમામ મહેમાનો, તબીબી નિષ્ણાતો અને ઉપસ્થિત નાગરિકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આયોજકોએ જણાવ્યું હતું કે સમાજમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધે, વ્યસનમુક્ત અને સ્વસ્થ સમાજનું નિર્માણ થાય તે માટે ભવિષ્યમાં પણ આવા લોકહિતના કાર્યક્રમોનું આયોજન સતત કરવામાં આવશે.