ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-
2010 પહેલાંના શિક્ષકોને TETમાંથી મુક્તિ અને જૂની પેન્શન યોજના લાગુ કરવાની મુખ્ય માંગ સાથે સરકાર સામે દેખાવો

ગાંધીનગર: શિક્ષકો માટે સુપ્રીમ કોર્ટના તાજેતરના મહત્વપૂર્ણ ચુકાદા બાદ ગુજરાતમાં વિરોધનો માહોલ સર્જાયો છે. ટિચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET) ફરજિયાત બનાવવાના નિર્ણયના વિરોધમાં આજે 11 જુલાઈએ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો ગાંધીનગર પહોંચ્યા હતા અને સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ શિક્ષણ સેવામાં કાર્યરત શિક્ષકો માટે નોકરી ચાલુ રાખવા અથવા બઢતી (પ્રમોશન) મેળવવા માટે TET પાસ કરવી ફરજિયાત રહેશે. આ નિર્ણયથી નારાજ શિક્ષકોએ રાજ્યવ્યાપી વિરોધ નોંધાવ્યો હતો.
અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, જામનગર સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી હજારો શિક્ષકો ગાંધીનગર ઉમટી પડ્યા હતા. શિક્ષકોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પોતાની વિવિધ માંગણીઓ સ્વીકારવા માંગ કરી હતી. મોટી સંખ્યામાં શિક્ષકો એકત્ર થતાં ગાંધીનગરમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
શિક્ષકોની મુખ્ય માંગણીઓ
શિક્ષક સંગઠનોએ સરકાર સમક્ષ કેટલીક મહત્વપૂર્ણ માંગણીઓ રજૂ કરી હતી. જેમાં વર્ષ 2010 પહેલાં નિયુક્ત થયેલા શિક્ષકોને TET ફરજિયાત નિયમમાંથી કાયમી મુક્તિ, 1 એપ્રિલ 2005 બાદ ભરતી થયેલા શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ, ધોરણ 6થી 8ના શિક્ષકોને અલગ અને યોગ્ય ગ્રેડ પે, તેમજ HTAT આચાર્યોને સોંપવામાં આવેલા વધારાના ચાર્જનો નિર્ણય પરત ખેંચવાની માંગનો સમાવેશ થાય છે.
શિક્ષક મહાસંઘના આગેવાનોએ ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, જો સરકાર તેમની લાંબા સમયથી પડતર માંગણીઓ અંગે હકારાત્મક નિર્ણય નહીં લે, તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. જરૂર પડશે તો આગામી દિવસોમાં દિલ્હીમાં પણ રાષ્ટ્રીય સ્તરે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
