મધ્ય પૂર્વમાં યુદ્ધની આગ ભભૂકી: દુબઈના પામ જુમેરાહ વિસ્તારમાં હોટલ પર મિસાઈલ હુમલો, 4 લોકો ઈજાગ્રસ્ત..

ગોધરા,(પંચમહાલ) સાજીદ શેખ :-

અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા મિસાઈલ હુમલાના જવાબમાં ઈરાને પલટવાર કર્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ પલટવારની અસર સમગ્ર મધ્ય પૂર્વમાં જોવા મળી રહી છે અને સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની ગઈ છે.

મળતી માહિતી અનુસાર, દુબઈના પ્રખ્યાત પામ જુમેરાહ વિસ્તારમાં આવેલી ફેરમોન્ટ ધ પામ હોટેલને નિશાન બનાવવામાં આવી હતી. હુમલા બાદ હોટલની બહાર ભયાનક આગ લાગી ગઈ હતી અને આકાશમાં દૂર સુધી કાળો ધુમાડો ફેલાયો હતો. ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.
યુએઈના સંરક્ષણ મંત્રાલયે પ્રાથમિક માહિતી આપતા જણાવ્યું હતું કે, ઈરાન તરફથી છોડવામાં આવેલી બેલિસ્ટિક મિસાઈલોને યુએઈની હવાઈ સુરક્ષા પ્રણાલીએ મોટા ભાગે અટકાવી હતી. તેમ છતાં, પામ જુમેરાહ વિસ્તારમાં એક હોટલ નજીક આગ લાગવાની ઘટના બની હતી.

દુબઈ મીડિયા ઓફિસે એક નિવેદનમાં જણાવ્યું કે, ઇમરજન્સી રેસ્ક્યૂ ટીમોને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. દુબઈ સિવિલ ડિફેન્સ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો છે અને વિસ્તારને સંપૂર્ણપણે સુરક્ષિત જાહેર કરવામાં આવ્યો છે.
આ ઘટનામાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, એક જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો અને ત્યારબાદ હોટલ તરફથી ઘાટો કાળો ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી.

આ હુમલા બાદ મધ્ય પૂર્વમાં સુરક્ષા ચિંતાઓ વધુ વધી ગઈ છે અને સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.