ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

પંચમહાલ, ગોધરા: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની પ્રેરણાથી જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણ સમિતિ, પંચમહાલ દ્વારા આયોજિત ‘સમરસ વિદ્યા સેતુ અભિયાન’નો જિલ્લા કક્ષાએ શુભારંભ નવી વસાહત ગુસર પ્રાથમિક શાળાથી કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનો પ્રારંભ પ્રભારી મંત્રીશ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ પ્રસંગે ગોધરા તાલુકાની નવી વસાહત ગુસર પ્રાથમિક શાળાના રૂ. 1.32 કરોડના ખર્ચે નવનિર્મિત મકાનના 11 ઓરડાઓનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ લોકાર્પણની તકતીનું અનાવરણ કરી શાળાના નવનિર્મિત મકાનની મુલાકાત લીધી હતી.
અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતાં પ્રભારી મંત્રીશ્રી રમેશભાઈ કટારાએ શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે બાળકોને ગુણવત્તાસભર શિક્ષણની સાથે શ્રેષ્ઠ મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. નવનિર્મિત ઓરડાઓ બદલ તેમણે ગ્રામજનો અને શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે ગોધરાના ધારાસભ્ય શ્રી સી.કે. રાઉલજી તથા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નીરજભાઈ પટેલે પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.
‘બેક ટુ સ્કૂલ’ અંતર્ગત વિદ્યાર્થીઓનું સન્માન
‘સમરસ વિદ્યા સેતુ અભિયાન’ અંતર્ગત ‘બેક ટુ સ્કૂલ’ કાર્યક્રમ હેઠળ પુનઃ શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રભારી મંત્રીશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તથા શાળાની બાલિકાઓ દ્વારા રજૂ કરાયેલા સ્વાગતગીતથી થઈ હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતી ગાયત્રીબેન પટેલે સ્વાગત પ્રવચન કરી ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમના અંતે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કિરીટભાઈ પટેલે આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નીરજકુમાર પટેલ, ધારાસભ્ય શ્રી સી.કે. રાઉલજી, કલેક્ટર શ્રી અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રણવ વિજયવર્ગીય, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી કુસુમબેન સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી લીલાબેન પટેલ, સ્થાનિક સરપંચ શ્રીમતી ભુરીબેન હઠીલા સહિત પદાધિકારીઓ, અધિકારીઓ, ગ્રામજનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
શાળા છોડી ગયેલા બાળકોને ફરી શિક્ષણ સાથે જોડવાનો પ્રયાસ
‘સમરસ વિદ્યા સેતુ અભિયાન’નો મુખ્ય હેતુ કોઈપણ કારણસર શાળા છોડી ગયેલા અથવા ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન અભ્યાસથી દૂર થયેલા બાળકોને ફરીથી શાળામાં લાવવાનો છે. આવા બાળકો જ્યાં પણ હોય ત્યાંથી તેમને શોધી શાળામાં પ્રવેશ અપાવી તેમની નિયમિત હાજરી અને સ્થાયીકરણ સુનિશ્ચિત કરી શિક્ષણ સાથે જોડવાનો પ્રયાસ આ અભિયાન હેઠળ કરવામાં આવી રહ્યો છે.
જિલ્લા સમાહર્તા શ્રી અજય દહિયાના દિશાનિર્દેશ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રણવ વિજયવર્ગીયના માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લામાં આ અભિયાન અંતર્ગત 70 ટકાથી વધુ નામાંકન હાંસલ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું. રાજ્ય સ્તરે આ અભિયાનનો શુભારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે 22 જુલાઈના રોજ કરવામાં આવ્યો હતો.
