ભારે વરસાદ બાદ પંચમહાલમાં રસ્તાઓના સમારકામને વેગ, હાલોલના ગંગાતલાવડી–રસુલપુર માર્ગ પર તાત્કાલિક કામગીરી પૂર્ણ…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

પંચમહાલ જિલ્લામાં ચાલુ ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે અનેક ગ્રામીણ તેમજ મુખ્ય માર્ગોને નુકસાન પહોંચ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પંચાયત (માર્ગ અને મકાન) વિભાગ, ગોધરા દ્વારા નાગરિકોની સુરક્ષા અને સરળ અવરજવરને પ્રાથમિકતા આપતાં જિલ્લાના ક્ષતિગ્રસ્ત માર્ગોના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.

આ અભિયાન હેઠળ હાલોલ તાલુકાના ગંગાતલાવડી–રસુલપુર રાઠવા ફળિયા માર્ગ પર આવેલા પાઇપ નાળાની બાજુએ ભારે વરસાદના કારણે માટી ધોવાઈ જતાં માર્ગ પર વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. જેના કારણે સ્થાનિક લોકો અને વાહનચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.

સ્થાનિકોની રજૂઆતને ધ્યાને લઈ માર્ગ અને મકાન વિભાગના હાલોલ પેટા વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. અસરગ્રસ્ત સ્થળે રબલ અને વેટમિક્સ પાથરી માર્ગને ફરી વાહનવ્યવહાર માટે યોગ્ય બનાવવામાં આવ્યો છે.

વિભાગના જણાવ્યા મુજબ, જિલ્લામાં જ્યાં જ્યાં વરસાદના કારણે માર્ગોને નુકસાન થયું છે ત્યાં તબક્કાવાર સમારકામની કામગીરી ઝડપથી ચાલી રહી છે. નાગરિકોને સલામત અને સુવિધાજનક માર્ગ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાના હેતુથી તમામ જરૂરી કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.



આ પણ વાંચો :-